ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું એવામાં વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંક એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે તેલ અવીવમાં રોકેટ હુમલાની આશંકા વચ્ચે સાયરન વાગ્યા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને થોડો સમય માટે બંકરમાં છુપાવું પડ્યું હતું. આ ઘટનાએ ટોચના યુએસ રાજદ્વારી સામેના જોખમોને દર્શાવે છે.
બ્લિંકન અને નેતન્યાહૂને પાંચ મિનિટ સુધી બંકરમાં રહેવું પડ્યું
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું કે, ઈઝરાયેલની મુલાકાતે ગયેલા બ્લિંકન અને નેતન્યાહૂ સંરક્ષણ મંત્રાલયના કમાન્ડ સેન્ટરમાં બેઠક ચાલી રહી હતી ત્યારે હવાઈ હુમલા એલર્ટ માટેનું સાયરન વાગ્યું હતું. જેના કારણે તેમને પાંચ મિનિટ સુધી બંકરમાં છુપાવું પડ્યું હતું.
બાઈડેનના ઈઝરાયેલ પ્રવાસ અંગે પુષ્ટિ
આજે વહેલી સવારે ઈઝરાયેલમાં બ્લિંકને આ વાતની પુષ્ટિ મીડિયા સામે કરી હતી. તેમને કહ્યું કે, હાલનો સમય ઈઝરાયેલ, મધ્ય પૂર્વ ઉપરાંત આખા વિશ્વ માટે નાજુક ક્ષણ છે. જેને ધ્યાને લઇને રાષ્ટ્રપતિ બાઈડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જી
ઉલ્લેખનિય છે કે, હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં મોટી ખુંવારી સર્જી હતી. આ દરમિયાન આતંકીઓએ વહેલી સવારે ઈઝરાયેલ પર રોકેટોનો મારો શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી આવતા-જતા લોકો પર ફાયરિંગ પણ કર્યું, ત્યારબાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને જીતીને રહીશું…