ઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈસરો ચીફ ઉપરાંત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઈસરોના ચીફે પીએમ મોદીને મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી આપી.
વડાપ્રધાન મોદીએ અલગ અલગ મિશન માટે આપ્યો ટાર્ગેટ
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના ચીફને અવકાશ મિશનને લઈ લક્ષ્યો આપ્યા હતા. ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન (Indian Space Station) અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટર મિશન, માર્સ લેન્ડર પર કામ કરવા પણ કહ્યું હતુ.
ચંદ્ર પર વધુ સંશોધન માટેનો રોડમેપ તૈયાર કરાશે
આ દરમિયાન ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્ર પર વધુ સંશોધન માટેનો રોડમેપ તૈયાર કરશે. આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (NGLV)નો વિકાસ, નવા લૉન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓની સ્થાપના અને સંબંધિત તકનીકોનો સમાવેશ થશે. વડાપ્રધાન ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવા પણ આહ્વાન કર્યું હતું, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો સમાવેશ થાય છે.