આ ગુનામાં ઝડપાયેલ આરોપી પ્રદીપ કુમાર નાયક તથા વોન્ટેડ શ્રદ્ધાકાર લુહાનાએ પોતાના આર્થિક ફાયદા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ વર્ગ ત્રણની 29 જાન્યુઆરીના રોજ યોજાયેલ પરીક્ષાનું પેપર હૈદરાબાદ ખાતે છપાયું હતું. તે કે.એલ. હાઈટિંગ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર પોતાના સાગરીતો મારફતે પરીક્ષાર્થીઓને વેચવાનું ગુનાહિત કાવતરું 20 દિવસ અગાઉ પ્રેસની બહાર નજીકમાં આવેલ હોટલ ખાતે રચી કે.એલ. હાઈટિંગ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી શ્રદ્ધાકાર લુહાનાએ સાત લાખમાં પેપર પ્રદીપ કુમારને વેચાણ કર્યું હતું. જે પેપર પ્રદીપ કુમાર નાયકએ પોલીસના હાથે ઝડપાયેલ મોરારી પાસવાન તથા નરેશ મોહન્તીને પેપર દીઠ પાંચ લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ ક્રમનુસાર કમલેશ ભિખારી, મોહમ્મદ ફિરોજ, સર્વેશ, પ્રભાત કુમાર, મુકેશ ,મિન્ટુ, ભાસ્કર ચૌધરી ,કેતન બારોટ ,રાજ બારોટ, અનિકેત ભટ્ટ, રાજ બારોટ, હાર્દિક બારોટ, ચિરાયુ, ઇમરાન, પ્રણય શર્માએ લાખો રૂપિયામાં પેપરના વેચાણના સોદા કર્યા હતા. સોદાબાદ વડોદરાના અટલાદરા રોડ ખાતેના પ્રમુખ બજાર બિલ્ડીંગના ત્રીજા માળે ભાસ્કર ચૌધરીની સ્ટેક વાઇસ ટેકનોલોજીમાં મીન્ટુ કુમાર પેપર નકલોની ડીલીવરી માટે આવતા ઝડપાઈ ગયો હતો. આમ પરીક્ષાર્થીઓ તથા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચાર્યો હતો. જે અંગે એટીએસ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ ગુનામાં વોન્ટેડ આરોપી વિદ્યાર્થીઓ મહર્ષિ પ્રફુલકુમાર પટેલ, ધરતી અરવિંદકુમાર પટેલ અને મંથન હસમુખ લાલ પટેલ ( ત્રણેવ રહે- સાબરકાંઠા ) એ પોલીસની ધરપકડથી બચવા અત્રેની સેશન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન અરજ રજૂ કર્યા હતા.
તપાસ શરૂઆતી તબક્કે હોય ફળદાયી હકીકત માટે કસ્ટોડિયલ ઇન્સ્ટાગ્રેશન જરૂરી ; ન્યાયાધીશ બંને પક્ષોની દલીલો, તપાસ અધિકારીનું સોગંદનામુ અને પુરાવાની ચકાસણી બાદ ત્રીજા એડિશનલ સેશન્સ ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે. અરજદાર આરોપીઓનું નામ વોન્ટેડ લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું હોવા છતાં હાજર થયા નથી. અને પેરિટીના લાભની માંગણી કરી છે. તપાસ શરૂઆતી તબક્કે છે. આરોપીઓને મુક્ત કરવામાં આવે તો તપાસ સાચી દિશામાં ચાલી પૂર્ણ થઇ શકશે નહીં. અને કેસની ફળદાયી હકીકત રેકોર્ડ ઉપર આવી શકશે નહીં. સંજોગોને ધ્યાને લેતા અરજદાર આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી જણાય છે. આગોતરા જામીન ના તબક્કે આરોપીની ગુનામાં પ્રત્યક્ષ ભૂમિકાની સાથે તપાસ પર તેની અસરો જોવાની હોય છે. હાલના તબક્કે આરોપીઓની કસ્ટોડિયલ ઈન્સ્ટાગ્રેશન જરૂરી છે.
વિદ્યાર્થીઓએ 15 લાખમાં પેપરનો સોદો કરી અસલ ડોક્યુમેન્ટ તથા ચેક આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી ધારાશાસ્ત્રીએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપીઓએ કેતન બારોટના સંપર્કમાં આવી જુનિયર ક્લાર્ક પરીક્ષાનુ પેપર 15 લાખ રૂપિયામાં સેટિંગ કરી સ્ટેક વાઇઝ કોમ્પ્યુટર ક્લાસ ખાતે અરજદાર આરોપીઓએ પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ તથા કોરા ચેક આરોપી એજન્ટ કેતન બારોટને આપ્યા હતા. સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યા બાદ તપાસ દરમિયાન એટીએસએ રેન્જ રોવર કારમાંથી તે અસલ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે.