ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આકાશથી રોકેટ વરસી રહ્યા છે અને ટેન્કથી તોપમારો કરવાની તૈયારી છે. દરમિયાન ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે દુનિયામાં હથિયારોનો વેપાર કરતી કંપનીઓને અઢળક ફાયદો થઈ રહ્યો છે. યુદ્ધ થંભી જવાના સંકેત નથી ત્યારે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કંઈ કહી શકાય નહીં. એટલા માટે જ યુદ્ધ માટે દારૂગોળો અને હથિયારોના બજારમાં તેની ખરીદી પણ મોટાપાયે થશે.
ઈઝરાયલે લીધા છે સોગંદ
ઈઝરાયલે સ્પષ્ટ કહી દીધું છે કે આ વખતે તે હમાસનો ખાત્મો કરીને જ ઝંપશે. હમાસ પણ તૈયાર જ છે. સવાલ એ છે કે છેવટે યુદ્ધ માટે આટલી મોટી માત્રામાં દારૂગોળો આવશે ક્યાંથી? આ સવાલનો જવાબ અમેરિકા છે. હમાસ પર ઈઝરાયલનું એક્શન શરૂ થતાં જ અમેરિકાએ ઈઝરાયલને હથિયારોનો પ્રથમ જથ્થો પહોંચાડી દીધો હતો. તેમાં સ્માર્ટ બોમ્બ, આયરન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે ઈન્ટરસેપ્ટર અને બીજા એમ્યુનિશન સામેલ હતા.
ઈઝરાયલ હથિયારો માટે અમેરિકા પર નિર્ભર
જોકે સવાલ એ છે કે શું ભવિષ્યમાં પણ અમેરિકા ઈઝરાયલને હથિયારો ઉપલબ્ધ કરાવશે? આ એટલા માટે મોટો સવાલ છે કેમ કે ઈઝરાયલ તેની ડિફેન્સ જરૂરિયાતના 81.8% હથિયારો અમેરિકાથી, 15.3% જર્મની, 2.6% ઈટાલી, 0.1% ફ્રાન્સ અને 0.2% કેનેડાથી ઈમ્પોર્ટ કરે છે. એટલે કે ઈઝરાયલ તેના હથિયારોની જરૂરિયાતો માટે સંપૂર્ણ અમેરિકા પર નિર્ભર છે. એટલા માટે અમેરિકી ડિફેન્સ કંપનીઓ માટે હમાસ-ઈઝરાયલનું યુદ્ધ નફો કમાવવાની મોટી તક છે.
અમેરિકા પર હથિયાર સપ્લાય કરવાનું દબાણ વધ્યું
પરંતુ માંગ એટલી વધારે છે કે અમેરિકન કંપનીઓ તેને પૂરી કરી શકતી નથી. અમેરિકા અત્યારે ત્રણ મોરચે અટવાયેલું છે. તેમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધની સાથે અમેરિકા પણ ચીનની વધતી આક્રમકતાથી ચિંતિત છે. આવી સ્થિતિમાં અમેરિકાની સમસ્યા એ છે કે હથિયારોની સપ્લાય કેવી રીતે વધારવી. ગયા વર્ષે સમગ્ર વિશ્વમાં સૈન્ય ખર્ચ 2.2 ટ્રિલિયન ડોલર હતો. જ્યારે વિશ્વના દેશોમાં હથિયારોની નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 45% છે.
યુક્રેનને સતત હથિયારો આપી રહ્યું છે અમેરિકા
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા યુક્રેનને સતત હથિયારોની સપ્લાય કરી રહ્યું છે. અમેરિકાએ અત્યાર સુધી યુક્રેનને 44 બિલિયન ડોલરના શસ્ત્રો આપ્યા છે. જાન્યુઆરી 2023માં અમેરિકાએ 155 મિલિયન ડોલરની કિંમતના લગભગ 3 લાખ તોપના ગોળા યુક્રેનને મોકલ્યા હતા. 2022માં અમેરિકાએ યુક્રેનને 10 લાખ તોપના ગોળા આપ્યા હતા. યુક્રેન શસ્ત્રો માટે સંપૂર્ણપણે અમેરિકા અને નાટો પર નિર્ભર છે. અમેરિકા અને અન્ય નાટો દેશો યુક્રેનની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ નથી.
અમેરિકા સમક્ષ આ મજબૂરી
આ દરમિયાન અમેરિકા સામે ઈઝરાયેલનું સંકટ સામે આવ્યું છે. 2016માં અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ સાધનો ખરીદવા માટે 38 બિલિયન ડૉલરની ડીલ થઈ હતી. બંને દેશોએ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે 5 અબજ ડોલરના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ અમેરિકાથી ઈઝરાયેલને શસ્ત્રો સપ્લાય કરવાના હતા. ઓગસ્ટ 2023માં, ઈઝરાયેલે અમેરિકન કંપની આલ્બિટ સિસ્ટમને 155 મિલિયન ડૉલરની કિંમતના 10 લાખ ગોળાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ઇઝરાયેલે M107-A3 તોપના ગોળા ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે યુદ્ધની કોઈ શક્યતા નહોતી. પરંતુ હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલને તાકીદે હથિયારોની જરૂર છે. પરંતુ અમેરિકન કંપનીઓની ઉત્પાદન ક્ષમતા એટલી નથી કે ઇઝરાયેલને તરત જ શસ્ત્રો સપ્લાય કરી શકે. આ સંકટ તેનાથી પણ મોટું છે કારણ કે 2014માં ઈઝરાયેલની સેનાએ ગાઝા પર 32 હજારથી વધુ ગોળા ઝિંક્યા હતા. આ વખતે સ્થિતિ 2014 કરતા પણ ખરાબ છે.