તાજેતરમાં અમદાવાદમાં સ્પા ગર્લને જાહેરમાં માર મારવા અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ફૂટી નીકળેલા સ્પામાં આજે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે.ગુજરાત પોલીસને સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પોલીસને મળેલી સૂચના બાદ આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં છે.
24 કલાકમાં પોલીસે 851 સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે 851 સ્પા સેન્ટર પર દરોડા પાડીને 105 લોકોને ઝડપ્યા છે. તે ઉપરાંત સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 103 ગુના નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ છે. આ સાથે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ પણ કરાઈ છે. આ તરફ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી છે. સુરતમાં 50, રાજકોટમાં 50, વડોદરામાં 20, ભાવનગરમાં 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.ગુજરાતમાં વિવિધ શહેરોમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.