વિજયાદશમી પર્વે ને લઈને સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ સ્ટેશનો પર શસ્ત્ર પુજન કરાયુ હતુ જેને લઈને ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પુજન કરાયુ હતુ. ગુનાખોરી ને ડામવા ડાંગ જિલ્લા પોલીસ મક્કમ છે ત્યારે પોલીસ કર્મીઓ માટે પોતાની તેમજ સમાજની રક્ષા હેતુ શસ્ત્ર પણ એટલા જ મહત્વપૂર્ણ મનાય છે ત્યારે વઘઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.બી.ચૌધરી દ્વારા દશેરાના શુભ મુહૂર્ત દરમિયાન શસ્ત્ર પુજન કરાયુ હતુ.
પોલીસ જવાનો માટે જરૂરી રાયફલો તેમજ કાર્ટૂસ ને વિધિવત રીતે પોલીસ સ્ટેશનોમાં સ્થાપન કરી પુજન કરાયુ હતુ પુજા અર્ચન દરમિયાન વઘઇ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા તમામ વર્ગના પોલીસ જવાનો તેમજ મહીલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.અસત્ય પર સત્યની જીત તથા અધર્મ પર ધર્મ ની જીત આપનારા વિજ્યાદશમીનાં શુભ પર્વ નિમિત્તે અન્યાય તેમજ અત્યાચાર વિરુદ્ધ ખડે પગે સમાજની જવાબદારી નિભાવી દરેકને ન્યાય અપાવનારા પોલીસ જવાનોએ પોતાના શસ્ત્રોની પુજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સપન્ન કરી હતી.
સાંસદે વાહનોનું પૂજન કર્યું
આદિવાસી અગ્રણી અને સાંસદ મનસુખ વસાવાએ દશેરાના પર્વએ પોતાના ઘરના વાહનોનું પૂજન કર્યું હતું. સંસદ મનસુખ વસાવાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પોતાની કાર અને ઘરના વાહનોનું પૂજન કર્યું હતું.
યુદ્ધ જીત્યા બાદ ભગવાન રામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમનો સાથ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તે નિર્જીવ હોય કે સજીવ, પ્રાણી હોય કે પક્ષી તેમણે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમ ભગવાન રામે તમામ નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. નિર્જીવ વસ્તુઓમાં તેમણે તેમના શસ્ત્રો, રથ અને તમામ પ્રકારના વાહનો માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ બાદ વાહન પૂજાની પ્રથા અનુસરાય છે.
દશેરાની અનોખી ઉજવણી
જંબુસરમાં કોટેજ હોસ્પિટલમાં લોકાર્પણ બાદ અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દશેરા પર્વની સ્થાનિક વેપારીઓએ નવતર પ્રયોગ સાથે ઉજવણી કરી હતી. દશેરાના દિવસે વેપારીઓએ એકઠા થઈ કોટેજ હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. હોસ્પિટલ ખાતે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ તથા તેમના સ્વજનો પહોંચતા હોય છે. સ્વચ્છતાનો અભાવ સમસ્યા ઉભી ન કરે તે માટે વેપારીઓએ પહેલ કરી હતી.