વૈશ્વિક પરિસ્થીતીના કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો અને ડોલરમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ભારતીય ચલણના મૂલ્ય પર પણ અસર થઇ રહી છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. રૂપિયો સતત ત્રીજા સત્રમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. હાલ અમેરિકી ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને અત્યારે 83.23 પર ટ્રેડ કરી રહ્યો છે. આ પરિસ્થિતિ પર ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, મધ્ય પૂર્વના દેશોમાં તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે વેચાણને કારણે પણ ભારતીય ચલણનું મૂલ્ય ઘટી રહ્યું છે.
સતત ત્રીજા દિવસે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું
આજે આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો શરૂઆતના વેપારમાં ડોલર દીઠ 83.19 પર ખૂલ્યા બાદ વધીને 83.23 પ્રતિ ડોલર થયો હતો. અગાઉના સ્તરની સરખામણીમાં આ 6 પૈસાનો ઘટાડો છે. રૂપિયામાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોમવારે રૂપિયો 4 પૈસા તૂટ્યો હતો. આ પછી બુધવારે તેમાં 1 પૈસાનો ઘટાડો થયો હતો. દશેરાના કારણે મંગળવારે વિદેશી હૂંડિયામણ બજારો બંધ રહી હતી. ગઈકાલે બુધવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 83.17 ના સ્તર પર બંધ થયો હતો.
આજે સવારે 11 વાગ્યા સુધીમાં BSEના સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે નિફ્ટીમાં 242 પોઇન્ટનો મોટો કડાકો બોલાઈ જતાં બજારની હાલત દયનીય થઈ ગઈ છે. સેન્સેક્સ (Sensex) હાલના સમયે 63250 તથા નિફ્ટી 18868ની (Nifty) આજુબાજુ ટ્રેડ કરી રહી હતી. એટલે કે સેન્સેક્સમાં 1.30 અને નિફ્ટીમાં 1.34 ટકાનો કડાકો બોલાઈ ચૂક્યો છે.