હિન્દુઓની ૫૦૦ વર્ષની પ્રતીક્ષા અને સંઘર્ષનો સુખદ અંત આગામી તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય શ્રીરામજન્મભૂમિ મંદિરમાં ભગવાનશ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી થશે. આ ઐતિહાસિક શુભ પ્રસંગમાં સમગ્ર હિન્દુ સમાજને જોડવા, તારીખ ૨૨ જાન્યુઆરી પહેલા દેશના પ્રત્યેક ગામમાં ઘરે ઘરે શ્રીરામજન્મભૂમિ અયોધ્યાથી પૂજન કરીને આવેલા અક્ષત વિહીપના કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. શ્રીરામજન્મભૂમિમાં હિન્દુ સમાજના અતૂટ વિશ્વાસને ધ્યાને લઈ દેશના તમામ હિન્દુઓને પોતાના ગલી, મોહલ્લા, મંદિરોમાં ભેગા થઈ ઉપલબ્ઘ ઓડિયો વિઝ્યુઅલ ઉપકરણોના માધ્યમથી આ પ્રસંગને નિહાળી તેમાં જોડાવવા વિહિપ દ્વારા અપીલ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત આજે અયોધ્યાથી પૂજિત અક્ષતનો કળશ જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. જય જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ, પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ, પૂજ્ય અખિલેશ દાસજી મહારાજ તથા અન્ય પૂજ્ય સંતો દ્વારા પવિત્ર કળશનું પૂજન કરી આ કળશ વિહિપના ગુજરાતના મહામંત્રી અશોક રાવલ તથા સહમંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કળશ માથે ઉપાડી વાજતે ગાજતે વિહિપના કાર્યકર્તાઓ દ્વારા પગપાળા વિહીપ ના પાલડી સ્થિત કાર્યાલય લઈ જવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી અશોક રાવલે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર એ ન માત્ર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર બનશે, પણ મંદિરના ૧૬૦ ફૂટ ઊંચા શિખર પર ફરકતી ભગવી ધજા દેશના હિંદુ સમાજના સ્વાભિમાનનું પ્રતીક પણ બનશે. સાંસ્કૃતિક ગુલામીના ઢાંચાને હટાવીને બનેલું આ મંદિર સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે. આ મંદીર દેશમાં સામાજિક સમરસતા અને રાષ્ટ્રવાદને પણ પ્રબળ બનાવશે. હિન્દુ ધર્મની પૂજા પદ્ધતિમાં અક્ષતનું વિશેષ મહત્વ છે. અક્ષત એ ન માત્ર દેવોને અર્પણ કરાતો પવિત્ર ભોગ છે, પરંતુ દેવ આશીર્વાદ પહોંચાડવાનું પણ અગત્યનું માધ્યમ છે. અયોધ્યાથી પૂજન થઈ આવેલા અક્ષત ઘરે ઘરે પહોંચવાથી ગુજરાતના પ્રત્યેક હિન્દુને ભગવાન શ્રીરામલલાના સીધા આશીર્વાદ પ્રાપ્ત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.