વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીની પ્રક્રિયામાં વિલંબ થતા 1,18,000 ઉમેદવારો કાગડોળે રાહ જોઈને બેઠા છે છતાં પણ હજી સુધી કોર્પોરેશનના તંત્રએ કાર્યવાહી હાથ ધરી નથી.
વડોદરા મહાનગર પાલિકાના ઓડિટ શાખા દ્વારા મહાનગરપાલિકાના આવક તેમજ ખર્ચ અંગેના વ્યવહારોની તપાસણીની કામગીરી કરવામાં આવે છે. જો કે, લાંબા સમયથી આ વિભાગમાં મહેકમની અછત વર્તાતા કામગીરી ઉપર વિપરીત અસર પડી રહી હોવા છતાં નિદ્રાધીન તંત્રની આંખો ખુલી રહી નથી.
વડોદરા મહાનગર પાલિકાની વર્ષ 2022ના રિપોર્ટ મુજબ ઓડિટ શાખામાં મંજૂર થયેલ કુલ-115 જગ્યા પૈકી જુનિયર ઓડિટરની 16, જુનિયર ક્લાર્કની 36 સહિતની ખાલી જગ્યાઓ મળી 67 જગ્યા ખાલી છે. જેના કારણે ઓડિટ શાખા દ્વારા કરવામાં આવતી મહાનગરપાલિકાના આવક તેમજ ખર્ચ અંગેના વ્યવહારોની તપાસણીની કામગીરી ઉપર વિપરીત અસર પડી છે. સ્ટોર ઓડિટ વિભાગ દ્વારા માલસામાનનું ફિઝિકલ વેરીફીકેશન તેમજ ઈન્ટરનલ બુક વેરીફીકેશન થઇ શક્યું નથી. મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ તેમજ જુદા જુદા ખાતાઓની વિવિધ આવકોના હિસાબોની તપાસણી કરવા માટે હાલમાં નહીવત સ્ટાફ છે. જે વડોદરા મહાનગરપાલિકાની આર્થિક તેમજ વહીવટી દ્રષ્ટિએ ઘણી જ ગંભીર બાબત કહી શકાય તેમ છે.
વિભાગને લેખિત જાણ કરવામાં આવી છે. અને ઓડિટ શાખાની ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા અત્યંત જરૂરી હોવાનું વડાએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવનિયુક્ત મ્યુ.કમિશનરે પણ પાલિકા પાસે સત્તા હોવા છત્તા ભરતી કેમ કરાતી નથી તે મમાલે ઉધડો લીધો.