સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં મેટ્રોની કામગીરીની આસપાસ થતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પાલનપોર શાક માર્કેટ બહાર લારીઓનો જમેલો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલનપોર જકાતનાકા પાસે મેટ્રોના કામગીરીની આસપાસ થતા દબાણ દૂર થતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. આવી જ રીતે અન્ય જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલતી હોય તેની આસપાસના દબાણ કડકાઈથી દુર કરવા માટે માગણી થઈ રહી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. સ્ટાર બજાર થઈ એલ.પી.સવાણીથી પાલનપોર જકાતનાકા વચ્ચે મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના કારણે રોડનો ઉપયોગ અડધો થઈ ગયો છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ટ્રાફિક સમસ્યા વધી રહી છે તો બીજી તરફ આ સાંકડા રોડ પર દબાણ હોવાના કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. વાહન વ્યવહારના ઉપયોગ માટે રસ્તો સાંકડો થતો હોવાથી દબાણ દુર કરવાની કામગીરી ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાંદેર ઝોને મેટ્રોની કામગીરીને આસપાસથી દબાણ દુર કરવાની કામગીરી કરતાં હાલ પુરતી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે.
આ ઉપરાંત પાલનપોર શાક માર્કેટની આસપાસ લારીઓના દબાણના કારણે પણ ટ્રાફિક સમસ્યા થતી હતી. તાડવાડીથી શાક માર્કેટ જતાં રસ્તા વચ્ચે સંખ્યાબંધ લારીઓ ઉભી રહી જતી હતી. આ લારીઓના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી આ માથાભારે દબાણ કરનારાઓ વાહન ચાલકો સાથે પણ દાદાગીરી કરે છે. દિવસેને દિવસે લારીઓનું દબાણ વધતું હોવાથી આજે ઝોન દ્વારા લારીના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે આ રસ્તા પર ટ્રાફિક સમસ્યામાં હાલ પુરતો ઘટાડો થયો છે.