અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર આ તસ્વીર શેર કરીને લખ્યું છે કે, અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિ પસંદ કરી લેવામાં આવી છે. વિખ્યાત શિલ્પકાર યોગીરાજ અરૂણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન શ્રીરામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
લલાટથી લઈને પગ સુધી મૂર્તિની લંબાઈ 51 ઈંચની છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે. આ મૂર્તિને ‘ઉત્સવ’ નામ અપાયુ છે. જે બે મૂર્તિ પસંદ થઈ નથી તે મંદિરના પ્રાંગણમાં સ્થાપિત કરાશે અને તેને અચલ મૂર્તિ નામ આપવામાં આવ્યું છે.
મંદિરમાં સ્થાપિત થનાર મૂર્તિ બનાવનારા યોગીરાજ કર્ણાટકના છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય.વિજયેન્દ્ર હતો. તેમને રાજયના ગૌરવ ગણાવ્યા હતા. કર્ણાટકને ભગવાન શ્રીરામ સાથે સીધો સંબંધ છે. કારણ કે રામભકત હનુમાનજીનો જન્મ ક્રિશ્ર્કિંધામાં થયો હતો અને તે કર્ણાટકમાં છે.
22મીએ બપોરે 12-20 વાગ્યે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધી તા.22 જાન્યુઆરીએ બપોરે 12-20 વાગ્યે થશે. રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલી સંસ્થા શ્રીરામ જન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચીવ ચંપતરાયે સોમવારે આ જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યુ હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો આરતી કરે, અડોશી-પડોશી, બજારો, મહોલ્લાઓમાં ભગવાનનાં પ્રસાદનુ વિતરણ કરો અને સુર્યાસ્ત બાદ દીપ પ્રગટાવો. આવો જ આગ્રહ વડાપ્રધાન મોદીએ અયોધ્યાથી આખી દુનિયાને આહવાન કર્યું છે.