કલાર્પણ આર્ટ ગ્રૂપની ૪૦ બહેનોએ ૧૧,૧૧૧ સ્કે. ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી
મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળીનું આયોજન કરાયું
૧૪૦૦ કિલો રંગનો ઉપયોગ કરી સતત ૧૫ કલાકની મેહનતથી સજાવ્યો ભવ્ય રામદરબાર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશે રંગો પૂર્યા હતા.
આ અવસરે દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની ૪૦ બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ ૧૧,૧૧૧ સ્કે. ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ૧૪૦૦ કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, સંસ્થા સાથે સંકળાયેલી ૪૦ બહેનોએ સવારે ૫ વાગ્યાથી સાંજના ૦૮ વાગ્યા સુધી સતત ૧૫ કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા.
મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર્પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નયનાબેન કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઇ રહેલાં વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામદરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રૂપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યાં હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજજવલન સાથે દિવાળી જેવો માહોલ હતો, તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્શ ચિત્ર સુરતની ધરતી ઉપસતું હતું. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે રંગોળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.