અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં ધોરણ -૨ થી ધોરણ -૧૨ ના 1008 બાળકોએ 400 ફુટ વિસ્તારમાં ભવ્ય રીતે “જય શ્રી રામ”ની રચના કરી ઈતિહાસ સર્જ્યો હતો. અને વાતાવરણ “જય જય શ્રી રામ”, “જય જય શ્રી રામ”ના નાદથી ગજવી દીધું હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ રામાયણના વિવિધ પ્રસંગોનું પ્રદર્શન રજૂ કર્યું હતું.જેમાં ભગવાન શ્રીરામનું બાળપણ, ગુરુકુળના અભ્યાસ, વનવાસ, શબરી, રાક્ષસ વધ, રામ સેતુ તથા ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક જેવા પ્રસંગોને આવરી લેવામાં આવ્યા હતાં.જેમાં પણ બાળકોએ રામાયણના અલગ-અલગ પાત્રોની અદ્ભુત વેશભૂષા અને અભિનયના દર્શન કરાવ્યા હતાં.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, ડીવાયએસપી વી.એન. સોલંકી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણીભાઈ પટેલે જીવનશિલ્પ કેમ્પસના બાળકોની ભગવાન રામ પ્રત્યેની અનોખી ભક્તિની પ્રશંસા સાથે તેમની શિસ્તને પણ બિરદાવી હતી. અને જીવનશિલ્પ પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે સાથે સૌને તા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યતાથી ઉજવવા અનુરોધ કર્યો હતો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ પટેલે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે જીવનશિલ્પ ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરવા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના સહભાગી થવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ પારેખ, નગરપાલિકા ઉપપ્રમુખ નિરવ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી બ્રિજેશ પટેલ, નગરપાલિકા સદસ્યો નિમેશ જામ, નીતિન ચોકસી, નંદિતા ભટ્ટ, મોનિકા પટેલ, વિવેક પટેલ સહિત વાલીઓ, આમંત્રિતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી તથા શોભાયાત્રામાં જોડાયા હતાં.સંસ્થાના જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જે. પી. પટેલે સમગ્ર જીવનશિલ્પ કેમ્પસના બાળકો,શિક્ષકો તથા સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.સેક્રેટરી નીતિન પટેલે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.