આદિવાસી બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. પ્રથમ તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પુન: પ્રારંભ કરાયો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા બીજા તબક્કામાં નાંદોદ તાલુકાના લાછરસ ગામે પહોંચતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.ચૌધરી જણાવે છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરીને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. ગ્રામજનો પણ જાગૃત થઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવી શકે છે.
બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાન નો પ્રેરક સંદેશો નિહાળવાની સાથે યોજનાકીય માહિતીથી અવગત કરાવતી ટૂંકી ફિલ્મ નિહાળીને સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા. પ્રસંગે લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ યોજનાકીય લાભોના ફાયદા વિશે ગ્રામજનોને સમજાવીને વંચિત લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. બાળકો દ્વારા પણ પ્રકૃતિના જતન માટે સંદેશ પાઠવતો નુક્કડ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોએ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ તરફથી ઉભા કરાયેલા સ્ટોલ્સનો લાભ લીધો હતો. ઉપરાંત પોષણ અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં નાંદોદ મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સુશ્રી અંજલીબેન ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. એ.કે.સુમન, બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મોસમબેન પટેલ, સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.