સુપ્રીમકોર્ટ ત્યારે ચોંકી ગઇ જ્યારે તેને ખબર પડી કે રાજધાની દિલ્હીમાં જ દિલ્હી હાઈકોર્ટને ફાળવાયેલી જમીન પર એક રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અતિક્રમણ કરી લેવામાં આવ્યું છે. આ મામલાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ માટે ફાળવાયેલી જમીન પર કોઈ રાજકીય પક્ષ કબજો કેવી રીતે કરી શકે.
આમ આદમી પાર્ટીએ કર્યો કબજો!
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુ પ્લોટ પર તેની ઓફિસ ચલાવે છે. આ બંગલો દિલ્હીના પરિવહન મંત્રીનું નિવાસસ્થાન હતું, પરંતુ બાદમાં પાર્ટીએ તેનો કબજો લઈ લીધો. આ જમીન ખાલી કરવામાં દિલ્હી સરકારની અસમર્થતા સામે વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે જમીનને જલદી ખાલી કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે કોઈને પણ કાયદાનું ઉલ્લંઘન કરવાની મંજૂરી નથી મળી જતી.
સીજેઆઈના નેતૃત્વમાં સુનાવણી
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચને દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવાયેલી જમીન પર અતિક્રમણ થયાની જાણકારી એવા સમયે અપાઈ જ્યારે દેશભરમાં ન્યાયિક માળખાને લગતા કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં એમિકસ ક્યુરી અને સિનિયર એડવોકેટ પરમેશ્વરની પણ નિમણૂક કરવામાં આવી છે. પરમેશ્વરએ બેન્ચને કહ્યું કે ‘દિલ્હી હાઈકોર્ટના અધિકારીઓ આ જમીનનો કબજો પાછો મેળવવા ગયા હતા પરંતુ તેઓ સફળ ન થઇ શક્યા. હવે તે જમીન પર રાજકીય પક્ષની ઓફિસ બનાવાઈ છે. જો કે, એમિકસ ક્યુરી પરમેશ્વરાએ સ્પષ્ટપણે કોઈ રાજકીય પક્ષના નામનો ઉલ્લેખ કર્યો ન હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મુદ્દાનું રાજકીયકરણ કરવા માંગતા નથી. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે હાઈકોર્ટ જમીનનો કબજો પાછો લઈ શકવા સક્ષમ નથી.
આ બાબતની માહિતી L&DOને આપવામાં આવી
આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના કાયદા સચિવ ભરત પરાશરે બેંચને જણાવ્યું કે, ‘2016માં કેબિનેટના ઠરાવ દ્વારા રાજકીય પક્ષને જમીન ફાળવવામાં આવી હતી. હવે આ બાબતની જાણ જમીન અને વિકાસ અધિકારી (L&DO)ને કરવામાં આવી છે અને સંબંધિત રાજકીય પક્ષને બીજી જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કાયદા સચિવે અદાલતને જણાવ્યું કે 2016 પહેલા આ એક બંગલો હતો જેમાં મંત્રી રહેતા હતા અને બાદમાં રાજકીય પક્ષે તેને પોતાનું કાર્યાલય બનાવ્યું હતું અને કેટલાક કામચલાઉ બાંધકામ પણ કર્યા હતા.
હાઇકોર્ટ જમીન કેવી રીતે પાછી મેળવશે?
તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘કોઈ રાજકીય પક્ષ ન્યાયતંત્ર માટે ફાળવવામાં આવેલી જમીન કેવી રીતે લઈ શકે. કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. આ સાથે તેમણે સવાલ કર્યો કે કોઈ પણ રાજકીય પક્ષ આના પર કેવી રીતે ચૂપ રહી શકે. બેંચે દિલ્હી સરકારના વકીલ વસીમ કાદરી અને એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમ બેનર્જીને હાઇકોર્ટ જમીન કેવી રીતે પાછી મેળવશે તેની તપાસ કરવા કહ્યું હતું.