ભારતમાંથી ઘણી મોટી સંખ્યામાં નાગરિકો દર વર્ષે વિદેશ ફરવા જતા હોય છે, ભણવા જતા હોય છે અથવા તો નોકરી કરવા જતા હોય છે. આમાં સૌથી મોટી સંખ્યા વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓ અને કમાવા જતા ભારતીયોની છે. મોટા ભાગે આવા ભારતીયો એટલે કે નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ વિદેશમાં કરેલી કમાણીને ભારતમાં મોકલી આપતા હોય છે. ભારતના રૂપિયા કરતા વિદેશી ચલણની કિંમત વધુ હોવાને કારણે તેઓ ભારત પોતાની કમાણી મોકલે તો ફાયદો થાય છે. વિદેશમાં કમાણી કરતા ભારતીયોએ ત્યાંના નિયમો મુજબ ટેક્સ ભરવો પડે છે. પરંતુ સવાલ એ છે કે શું આવા ભારતીય નાગરિકો જ્યારે પોતાની આવક ભારત મોકલે છે, તો શું તેમણે ભારતમાં પણ ટેક્સ ભરવો પડી શકે? તો જવાબ છે ના. તાજેતરમાં જ ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે એક કેસમાં ચુકાદો આપતા આવી આવક પર ટેક્સ લેવાની ના પાડી છે.
તાજેતરમાં જ આવ્યો ચુકાદો
ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની દિલ્હી બેન્ચે દેવી દયાલ કેસમાં આ ચુકાદો આપ્યો છે. જે મુજબ વિદેશમાં કામ કરતા નોન રેસિડેન્ટ ઈન્ડિયને કરેલી કમાણી પર ભારતમાં ટેક્સ લઈ શકાતો નથી. એટલે કે જો તમે એનઆરઆઈ છો, અને તમે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં કમાણી કરીને આવક ભારત મોકલો છો, તો ભારતમાં તમારે તે આવક પર ટેક્સ ચૂકવવો નહીં પડે. આ આખા કેસને સમજતીએ તો દેવી દયાલ નામના વ્યક્તિ ડિજિટલ ટેક્નોલોજી સ્પેશિયલાઈઝેશન ધરાવતી ભારતીય કંપનીમાં કામ કરે છે. પરંતુ કંપનીએ તેમને ઓફ સાઈટ એટલે કે એક ખાસ પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રિયા મોકલવામાં આવ્યા હતા. તેમના ઓસ્ટ્રિયાના કાર્યકાળ દરમિયાન પગાર સહિતના અલાઉન્સ તેમને વિદેશમાં આપવામાં આવ્યા હતા. એટલે કે તેમને ભારતમાં નહીં પરંતુ ચૂકવણી ઓસ્ટ્રિયામાં કરવામાં આવી હતી. પરિણામે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
નથી વસુલી શકાતો ટેક્સ
અહીં જાણવા જેવી વાત એ પણ છે કે ફાઈનાન્શિયલ યર 2016 માટેના એસેસમેન્ટ દરમિયાન ઈન્કમટેક્સ ઓફિશિયલ્સે ટેક્સ પેયર્સે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ ન આપ્યું હોવાને કારણે ભારતમાં ટેક્સેબલ ઈન્કમમાં 21.8 લાખનો વધારો કર્યો હતો. પરંતુ ટેક્સના કાયદા હેઠળ બિન નિવાસી એટલે કે નોન રેસિડેન્ટ શબ્દની વ્યાખ્યા જુદી પડે છે. આ વ્યાક્યા ભારતમાં વીતાવેલા દિવસોની સંખ્યાના આધારે નોન રેસિડેન્ટ ઈન્ડિયનનું સ્ટેટસ નક્કી કરે છે. બિન નિવાસી ભારતીયો એટલે કે નોન રેસિડેન્ટ ઈન્ડિયન જો ભારતમાં રહીને કોઈ પ્રવૃત્તિ દ્વારા કમાણી કરે છે, તો જ તેમની આવક પર ટેક્સ વસુલી શકાય છે. તેમણે વિદેશમાં કરેલી આવક પર કોઈ ટેક્સ વસુલી શકાતો નથી.
ટેક્સ ઓથોરિટી ચુકાદાને પડકારી શકે છે
જો કે, નિષ્ણાતોના કહેવા પ્રમાણે ટેક્સ ઓથોરિટી ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આ ચુકાદા સામે અપીલ કરી શકે છે. કોઈ પણ નોન રેસિડેન્ટ ઈન્ડિયને પોતાની વિદેશની આવક પર જે તે દેશમાં કર ચૂકવ્યો છે, તેનો પુરાવો તવા તો TRC આપવી જરૂરી છે. પરંતુ દેવી દયાલના કેસમાં કર સંધિ હેઠળ ટેક્સ બેનિફિટ માગવામાં નહોતો આવ્યો, પરિણામે TRC રજૂ કરવું જરૂરી નહોતું. એટલે ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે.