વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી અને મિનિકૉય ટાપુઓ પર નૌકાદળનું બેઝ બનાવવાનો નિર્ણય લીધો છે. INS જટાયુ નેવલ બેઝ મિનિકૉય ખાતે બનાવવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી રાજનાથ સિંહ 4 અથવા 5 માર્ચે કરી શકે છે. મિનિકૉયમાં બની રહેલા INS જટાયુ નેવલ બેઝથી માલદીવનું અંતર માત્ર 524 કિલોમીટર છે. એટલું જ નહીં ભારત અગાતી દ્વીપ પર એરસ્ટ્રીપને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. જેથી તેનો ઉપયોગ ફાઈટર જેટ અને હેવી એરક્રાફ્ટ ચલાવવા માટે થઈ શકે. તેમજ માલદીવ અને ચીનની ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકાશે.
આ નેવલ બેઝનું ઉદ્ઘાટન કરતી વખતે રક્ષા મંત્રી INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંતની સવારી પણ કરી શકે છે. વાસ્તવમાં લક્ષદ્વીપ અને મિનિકૉય આઇલેન્ડ નવ ડિગ્રી ચેનલ પર છે. જ્યાંથી દર વર્ષે કરોડો ડોલરનો બિઝનેસ થાય છે. તે ઉત્તર એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેનો માર્ગ છે.
વિક્રમાદિત્ય-વિક્રાંત સાથે 15 યુદ્ધ જહાજ આવશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ INS વિક્રમાદિત્ય અથવા વિક્રાંત પર બેસીને મિનિકૉય દ્વીપ જવા રવાના થશે ત્યારે તેમના 15 વધુ યુદ્ધ જહાજોમાંથી સાત તેમની સાથે હશે. તેનો અર્થ એ છે કે, સમગ્ર હુમલો કરનાર નૌકાદળ એકસાથે. આનાથી સમગ્ર વિશ્વને ભારતની નૌકાદળ શક્તિનો ખ્યાલ આવશે. માલદીવ અને ચીન જેવા દેશોને મજબૂત સંદેશ મોકલવામાં આવશે.
મિનિકૉય ખાતે નવી એરસ્ટ્રીપ અને અઅગાતી ખાતે અપગ્રેડેશન
એટલું જ નહીં ભારત સરકારે મિનિકૉય ખાતે એરસ્ટ્રીપ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. અગાતી ટાપુની એરસ્ટ્રીપને અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેથી ભારતીય દળો હિંદ અને અરબી મહાસાગરમાં શાંતિ સ્થાપી શકે. આ સિવાય અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા જાળવી શકીશું.
નોંધનિય છે કે, ભારત સરકારે હમણાં જ આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં એક નવી સુવિધા બનાવી છે. સેના દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂર્વમાં આંદામાન અને પશ્ચિમમાં લક્ષદ્વીપ પર મજબૂત તૈનાતીને કારણે ભારતની દરિયાઈ સરહદ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત બંને ટાપુ જૂથો પર પ્રવાસન પણ વધશે. લોકો અહીં ફરતી વખતે સુરક્ષિત મહેસૂસ કરશે.