દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના હતા, ત્યારે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા કે શું કેજરીવાલ આ વખતે હાજર થશે કે કેમ? જેનો જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય. પાર્ટીએ સમન્સને ગેરકાયદે ગણાવ્યો છે. પક્ષનું કહેવું છે કે કેન્દ્રીય એજન્સી EDના સમન્સની માન્યતાનો મામલો હવે કોર્ટમાં છે. તે પોતે કોર્ટમાં ગયા છે. EDએ વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય. EDએ AAP વડાને છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને તેમને 19 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બોલાવ્યા હતા. જોકે, AAPનું કહેવું છે કે EDના આ સમન્સ ગેરકાયદેસર છે.
કેજરીવાલને કેટલી વાર મળ્યું સમન્સ ?
સીએમ કેજરીવાલને પહેલું સમન્સ ગયા વર્ષે 2 નવેમ્બરે મોકલવામાં આવ્યું હતું, જ્યારે બીજું સમન્સ 21 ડિસેમ્બરે મોકલવામાં આવ્યું હતું, ત્રીજું સમન્સ ગયા મહિને 3 જાન્યુઆરીએ મોકલવામાં આવ્યું હતું. ચોથું સમન્સ 17 જાન્યુઆરીએ અને પાંચમું સમન્સ 2 ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરીએ તપાસ એજન્સીએ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું હતું અને 19 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું.
મોદી સરકાર પર સમન્સને લઈને તેમને હેરાન કરવાનો આરોપ
કેજરીવાલ વારંવાર મોદી સરકાર પર ED સમન્સને લઈને તેમને હેરાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી સતત ED સમન્સને ગેરકાયદે ગણાવી રહી છે. કેજરીવાલ વારંવાર હાજર ન થતાં EDએ પણ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટની નોટિસ પછી, 17 ફેબ્રુઆરીએ, કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા, જેમાં તેમણે બજેટ સત્રને ટાંકીને શારીરિક રીતે હાજર થવા માટે થોડો સમય માંગ્યો. આ પછી, કોર્ટે આ કેસની આગામી સુનાવણી 16 માર્ચે નક્કી કરી છે. મનીષ સિસોદિયા અને સંજય સિંહ કથિત દારૂ કૌભાંડ કેસમાં પહેલાથી જ જેલમાં છે.
AAP અનુસાર, આ સમન્સની માન્યતાનો મુદ્દો હવે કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે ED પોતે કોર્ટમાં ગઈ છે. આવી સ્થિતિમાં EDએ વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.