પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ‘અકબર’ નામના સિંહને ‘સીતા’ નામની સિંહણ(Lion and Lioness) સાથે રાખવાને લઈને વિવાદ થયો છે. મામલો એટલો વધી ગયો કે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના બંગાળ એકમે કલકત્તા હાઈકોર્ટમાં(Calcutta High Court) અરજી દાખલ કરી અને તેને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યું. કોર્ટે 16 ફેબ્રુઆરીએ દાખલ કરેલી અરજી પર 20 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી. કોર્ટે સિંહની જોડીનું નામ બદલવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે સિંહણનું નામ સીતા અને સિંહનું નામ અકબર રાખવા અંગે બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે.
મામલો સિલીગુડીના સફારી પાર્કનો છે. VHPએ આરોપ લગાવ્યો હતો કે વિશ્વ હિંદુ પરિષદને એ વાતથી ઘણું દુઃખ થયું છે કે બિલાડીની પ્રજાતિની સિહણનું નામ ભગવાન રામની પત્ની સીતાના નામ પર રાખવામાં આવ્યું છે. આ સિંહ-સિંહણની જોડી તાજેતરમાં ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાંથી લાવવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ સિંહોના નામ બદલ્યા નથી. 13 ફેબ્રુઆરીએ અહીં આવતા પહેલા જ તેમનું નામ રાખવામાં આવ્યું હતું.
જ્યારે VHPનું કહેવું છે કે સિંહોના નામ રાજ્યના વન વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. ‘અકબર’ની સાથે ‘સીતા’ને રાખવી એ હિન્દુ ધર્મનું અપમાન છે. આ કેસમાં રાજ્યના વન અધિકારીઓ અને સફારી પાર્કના ડાયરેક્ટરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
સિંગલ બેંચના જજ જસ્ટિસ સૌગતા ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળ સરકારને સિંહ અને સિંહણને કોઈ અન્ય નામ આપવા પર વિચાર કરવા કહ્યું, જેથી કોઈપણ વિવાદ શાંત થઈ શકે. કોર્ટે કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકો સીતાની પૂજા કરે છે. જ્યારે અકબર એક કાર્યક્ષમ, સફળ અને બિનસાંપ્રદાયિક મુઘલ સમ્રાટ હતો.
કોર્ટે કહ્યું, “મિસ્ટર કાઉન્સિલ, શું તમે જાતે જ તમારા પાલતુનું નામ હિંદુ ભગવાન અથવા મુસ્લિમ પયગંબરના નામ પર રાખશો… મને લાગે છે કે, જો આપણામાંથી કોઈ સત્તામાં હોત, તો આપણામાંથી કોઈપણ તેનું નામ અકબર રાખત અને સીતા ના રખાતું. શું આપણામાંથી કોઈ રવીન્દ્રનાથ ટાગોરના નામ પર પ્રાણીનું નામ રાખવાનું વિચારી શકે છે? આ દેશનો એક મોટો વર્ગ સીતાની પૂજા કરે છે… હું સિંહનું નામ અકબરના રાખવાનો પણ વિરોધ કરું છું. તે એક કાર્યક્ષમ, સફળ અને બિનસાંપ્રદાયિક મુઘલ સમ્રાટ હતા. ” કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “તમે તેનું નામ બિજલી અથવા એવું કંઈક રાખી શકો છો. અકબર અને સીતાનું નામ શા માટે રાખવામાં આવ્યું?”
ખંડપીઠે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું વન વિભાગે ત્રિપુરાથી સિલીગુડી સફારી પાર્કમાં લાવવામાં આવેલા બે સિંહોને સીતા અને અકબરના નામ આપ્યા હતા? તેના પર એડિશનલ એડવોકેટ જનરલ (એએજી) દેબજ્યોતિ ચૌધરીએ કોર્ટને કહ્યું કે રાજ્યએ પ્રાણીઓને કોઈ નામ આપ્યું નથી. AAGએ સ્પષ્ટતા કરી હતી કે નામો ત્રિપુરા ઝૂના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.”પ્રાણીઓનો જન્મ 2016 અને 2018 માં થયો હતો. 5 વર્ષ સુધી કોઈએ આ નામોને પડકાર્યા ન હતા, પરંતુ એકવાર તેઓ પશ્ચિમ બંગાળ આવ્યા, અને વિવાદ શરૂ થયો હતો.”
આના પર કોર્ટે કહ્યું, “ધાર્મિક દેવતાઓ અથવા ઐતિહાસિક રીતે આદરણીય વ્યક્તિઓના નામ પર સિંહોનું નામ રાખવું સારું નથી. રાજ્ય પહેલેથી જ ઘણા વિવાદોનું સાક્ષી છે. આ વિવાદ એવો છે જેને ટાળી શકાય છે.”
કોર્ટે તેના આદેશમાં એમ પણ ઉમેર્યું હતું કે, “કૃપા કરીને તમારા અધિકારીઓને આ પ્રાણીઓના નામ બદલવા માટે કહીને વિવાદ ટાળો… કૃપા કરીને કોઈપણ પ્રાણીનું નામ હિન્દુ ભગવાન, મુસ્લિમ પયગંબર, ખ્રિસ્તી, મહાન પુરસ્કાર વિજેતા, સ્વતંત્રતા સેનાનીઓ વગેરેના નામ પર ન રાખો. “સામાન્ય રીતે, જેઓ આદરણીય છે તેમના નામ પરથી પ્રાણીના નામ ના પાડો.”