લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. 2024ની લોકસભા ચૂંટણી 7 8 તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઇ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તમિલનાડુની મુલાકાતે છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે. રાજ્યનો પ્રવાસ 13 માર્ચ પહેલા પૂર્ણ થવાનો છે. તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે સીઈઓએ સમસ્યાના વિસ્તારો, ઈવીએમની હિલચાલ, સુરક્ષા દળોની તેમની જરૂરિયાત સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચ આ વર્ષે ચૂંટણીના સુચારુ સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
શું છે ચૂંટણી પંચની જવાબદારી
ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા બંધારણીય કલમ 324 મુજબ કરવામાં આવે છે. તેમજ ચૂંટણી પંચની જવાબદારી બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં ચૂંટણીનું આયોજન કરવાની છે. આ સિવાય ચૂંટણી પંચ લોકસભાની તારીખો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પાંચ વર્ષનો કાર્યકાળ લોકસભાના દરેક ગૃહનો રહે છે અને પાંચ વર્ષ પૂરા થાય તે પહેલા નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. તેમજ બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે પંચે લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવાની રહે છે.