વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરી મંગળવારે ગગનયાન મિશન પર મોકલનારા એસ્ટ્રોનોટસના નામની જાહેરાત કરી હતી. આજે 28 ફેબ્રુઆરી બુધવારે વડાપ્રધાન તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના કુલસેકરપટ્ટિનમમાં ઈસરોના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ કરશે. બીજા સ્પેસપોર્ટ પર પ્રાઈવેટ સેક્ટર તરફથી બનાવવામાં આવેલા નાના સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવશે. હાલમાં ઈસરોની પાસે એક અંતરિક્ષ સ્ટેશન છે. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર જે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત છે. સ્પેસક્રાફ્ટને તમિલનાડુને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે વરદાન માનવામાં આવે છે. ત્યારે જાણો આ સ્પેસક્રાફ્ટની ખાસિયત શું છે?
નવું સ્પેસપોર્ટ સતીશ ધવનથી કેટલુ અલગ?
જાણકારી મુજબ નવું સ્પેસપોર્ટ 2000 એકરને કવર કરશે અને થૂથુકુડી જિલ્લામાં વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપશે. થૂથુકુડીથી રોકેટ લોન્ચિંગ ખુબ જ સસ્તુ પડશે, કારણ કે અત્યાર સુધી જે પણ પીએસએસવી રોકેટ પોલર ઓર્બિટમાં છોડવામાં આવતા હતા, તેને શ્રીહરિકોટાથી નીકળ્યા બાદ પાડોશી દેશ શ્રીલંકાની ઉપરથી પસાર થવુ પડતુ હતું પણ નવા સ્પેસક્રાફ્ટના લોન્ચિંગની સાથે આ ડાયવર્ઝનની જરૂર પડશે નહીં.
અહીંથી લોન્ચિંગ થયુ તો રોકેટને લગભગ 780 કિલોમીટરની યાત્રા ઓછી કરવી પડશે. ઈસરોનું પ્રપ્લશન કોમ્પલેક્સ મહેન્દ્રગીરીમાં સ્થિત છે, જે કુલસેકરનપટ્ટિનમથી માત્ર 88 કિલોમીટર દુર છે. ત્યારે શ્રીહરિકોટાથી કોમ્પલેક્સ 780 કિલોમીટર દુર પડે છે. થૂથુકુડી ભૂમધ્ય રેખા એટલે કે ઈક્વેટરની ખુબ જ નજીક છે. એટલે રોકેટના લોન્ચિંગ બાદ સેટેલાઈટને તેની કક્ષામાં પહોંચાડવા માટે પૃથ્વીના વધારે ચક્કર નહીં લગાવવા પડે. જેથી સમય બચશે અને ઈંધણ પર થતો ખર્ચ પણ ઓછો થઈ જશે.
ઈસરોનો ઉદ્દેશ્ય શું છે?
ઈસરોએ કુલસેકરપટ્ટિનમ સ્પેસપોર્ટથી કોમર્શિયલ આધાર પર નાના સેટેલાઈટ્સને લોન્ચ કરવાની યોજના બનાવી છે. શ્રીહરિકોટાના નાના સેટેલાઈટસને લોન્ચ કરવામાં વધારે ખર્ચ આવે છે, કારણ કે રોકેટને લાંબુ અંતર કાપવુ પડે છે. જેનાથી ઈંધણ વધારે વપરાય છે, જેના કારણે રોકેટની પેલોડ ક્ષમતા ઓછી થઈ જાય છે. નવા સ્પેસપોર્ટથી આ સમસ્યા હલ થઈ જશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે રાજ્યમાં ઘણી ઈન્ડસ્ટ્રીઝ પણ આવશે અને તેનાથી હજારો નોકરીઓ ઉભી થશે, જેનાથી થૂથુકુડી જિલ્લાને ફાયદો થશે.