કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા SWAYAM Plus પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યુ હતુ. તે ઉદ્યોગના સહયોગથી વિકસિત અભ્યાસક્રમો ઓફર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. રોજગારી, યોગ્યતા અને વ્યાવસાયિક વિકાસ-કેન્દ્રિત કાર્યક્રમ L&T, Microsoft અને Cisco સહિતના ઉદ્યોગોના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય શિક્ષણ ઉદ્યોગને યોગ્ય બનાવવાનો છે. શિક્ષાર્થીઓને વ્યાવસાયિક વિશ્વમાં સફળ થવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાન પ્રદાન કરવાનો છે.
IIT મદ્રાસ કરશે આનું મેનેજમેન્ટ
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ આ પોર્ટલનું સંચાલન કરશે. IIT મદ્રાસ દ્વારા સ્વયમ-NPTEL અને મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જે શૈક્ષણિક તકો પ્રદાન કરે છે. IIT મદ્રાસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, SWAYAM પાસે આજે સૌથી વધુ રજીસ્ટ્રેશન આધાર છે. 2017માં કુલ રજીસ્ટ્રેશન 31 લાખથી વધીને 2023ના અંત સુધીમાં 72 લાખથી વધુ થઈ ગઈ છે.
પ્લેટફોર્મ શા માટે શરૂ કરવામાં આવ્યું?
SWAYAM પ્લસની સ્થાપનાનો ઉદ્દેશ્ય કોલેજના વિદ્યાર્થીઓ વગેરેની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે. ભારતીય જ્ઞાન પ્રણાલી ઉપરાંત, મેન્યુફેક્ચરિંગ, એનર્જી, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, આઈટી અથવા આઈટીઈએસ, મેનેજમેન્ટ સ્ટડીઝ, હેલ્થ કેર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત કાર્યક્રમો પ્લેટફોર્મ દ્વારા ઓફર કરવામાં આવશે.
પોર્ટલ લોન્ચ કરતાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અમલમાં છે અને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ઉદ્યોગો તેમની પોતાની એકેડમી સાથે આવશે. UGC અને શિક્ષણ વિભાગો સાથે ભાગીદારી કરશે. આ તમામ અભ્યાસક્રમોને IIT મદ્રાસ જેવી સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવશે.
શું ફાયદો થશે?
IIT મદ્રાસ અનુસાર આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે કૌશલ્ય પણ શીખવવામાં આવશે. માર્કેટમાં જોબ ડિમાન્ડ પ્રમાણે આને તૈયાર કરવામાં આવશે. સંસ્થાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસક્રમો શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થશે. જેના કારણે ગ્રેજ્યુએટ વધુ નોકરીઓ મેળવી શકશે. બહુભાષી સામગ્રી, વિદ્યાર્થીઓને મદદ કરવા માટે AI-સક્ષમ ચેટબોટ્સ અને ક્રેડિટ ઓળખ એ SWAYAM Plus પ્લેટફોર્મની વિશેષતાઓ છે.