પશ્ચિમ બંગાળ, 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ગામમાં છેલ્લા અમુક વર્ષોથી તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા શાહજહાં શેખ અને તેના સાથીઓ દ્વારા ત્યાંની સ્ત્રીઓ પર દુષ્કર્મ અને ભયાનક અત્યાચાર કરવામાં આવ્યા છે તથા બળજબરી પૂર્વક તેમની જમીન છીનવી લેવામાં આવી છે. અનુસૂચિત જનજાતિની આ ગરીબ અને અબળા સ્ત્રીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના લોકો દરેક ઘરમાં સુંદર મહિલાઓ – મોટાભાગે યુવાન પત્નીઓ અને છોકરીઓની શોધ કરતા, અને એ મળે એટલે એને પાર્ટી કાર્યાલય પર લઈ જતા. જ્યાં સુધી તેઓ ખુશ થઈને ધરાતાં નહીં ત્યાં સુધી રાતો ની રાતો તેમને ત્યાં જ રાખતા. શાહજહાં શેખ અને તેમના લોકોએ જબરદસ્તી પૂર્વક એમની જમીન જ નથી છીનવી પરંતુ વર્ષોથી તેમને મારતા આવ્યા છે અને તેમની ક્રૂરતા પૂર્વક જાતીય સતામણી પણ કરી છે.
પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ સરકાર જે હજુ સુધી મુખ્ય આરોપી ને પકડી શકી નથી તેને કોલકત્તા હાઇકોર્ટે પણ ટિપ્પણી કરી કહ્યું છે કે, “મુખ્ય આરોપી ને છોડી પોલીસ અને પ્રશાશન જે ભોગ બન્યા છે તેમના પરિવારોને પ્રતાડિત કરી રહયા છે”
જનજાતિ સુરક્ષા મંચ આવો અમાનુષી અત્યાચાર કરનારા મુખ્ય આરોપી અને ગુન્હેગારોની આખી ટોળકીની ધરપકડની માંગણી કરે છે અને વહેલામાં વહેલી તકે કાયદાનુસાર અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની પણ માંગણી કરે છે.
સુરક્ષા મંચની એ પણ માંગણી છે કે મહિલાઓ અને તેમના પરિવારના જમીનના અધિકારોને તાત્કાલિક અસરથી પુન:સ્થાપિત કરી એમનું ગૌરવ પાછું અપાવવું જોઈએ.
સંદેશખાલીમાં જમીનની સાથે મહિલાઓની મૂળભૂત ગરિમા અને માનવાધિકારોના હનન પર આખા દેશની જનજાતિઓ(અનુસૂચિત જનજાતિ) અત્યંત ગુસ્સામાં છે. દેશના લોકોને એ જાણવાની ચિંતા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં કેટલા વધુ ‘સંદેશખાલી’ જેવા વિસ્તારો ઉભા થયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આ વિસ્તારોની વાસ્તવિકતાથી સમગ્ર દેશને વાકેફ કરવો જોઈએ.
સુરક્ષા મંચ જનજાતિ જમીનો ની સ્થિતિ ની ગંભીરતા પૂર્વકની વિસ્તૃત તપાસ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં, સંપૂર્ણ સુંદરવન માં અને પશ્ચિમ બંગાળના સરહદી જિલ્લાઓમાં જનજાતિઓ ની જમીનના સંરક્ષણ માટે વિશેષ જોગવાઈની માંગણી કરે છે.