ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP દર 8.4 ટકા નોંધાયો છે. ભારતીય અર્થશાસ્ત્રીઓના મતે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 6.6 % રહેવાની ધારણા હતી. જો કે ડિસેમ્બરમાં પુરા થયેલા ક્વાર્ટર માટે અનુમાન 6 ટકાથી 7.2 ટકા સુધી બદલાયુ હતુ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) પણ ત્રીજા ક્વાર્ટર માટે 6.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મુક્યો હતો. જો કે ત્રીજા ક્વાર્ટરમાં વિશ્લેષકોની અપેક્ષા કરતા ક્યાંય સારુ પ્રદર્શન કર્યુ છે અને અંદાજ કરતા વધુ ઝડપે વૃદ્ધિ હાંસલ કરી છે.
પીએમ મોદીએ એક્સ પર આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ,
“Q3 2023-24માં મજબૂત 8.4% GDP વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સંભવિતતા દર્શાવે છે. અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિક્ષિત ભારત બનાવવા માટે મદદ કરશે!”
Robust 8.4% GDP growth in Q3 2023-24 shows the strength of Indian economy and its potential. Our efforts will continue to bring fast economic growth which shall help 140 crore Indians lead a better life and create a Viksit Bharat!
— Narendra Modi (@narendramodi) February 29, 2024
નાણાંકીય વર્ષ 2023-24નોનો અંદાજ પણ 7 ટકાથી વધીને 7.6 ટકા કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર ઊંચો રહેવાથી સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટેનો વૃદ્ધિદરનો અંદાજ પણ ઉપર ગયો છે. વર્ષ 2023-24માં GDP ગ્રોથ રેટ હવે 7.6 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ જે અંદાજ જાહેર થયો હતો તેમા 2023-24 માટે 7.3 ટકા ગ્રોથ રેટનો અંદાજ આપવામાં આવ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 11.6 ટકા ગ્રોથ રેટ હાસલ કર્યો છે. અગાઉના ક્વાર્ટરમાં આ ગ્રોથ રેટ 14.4 ટકા હતો. કૃષિ ક્ષેત્રે આ ત્રિમાસિક ગાળામાં પ્રદર્શન નબળુ રહ્યુ અને વૃદ્ધિ દર 0.8 ટકા ઘટ્યો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં સપ્ટેમ્બરમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ દર 1.6 ટકા હતો. માઈનિંગનો ગ્રોથ રેટ 7.5 ટકા રહ્યો છે. જે અગાઉના ક્વાર્ટરમાં 11.1 ટકા હતો. આ તરફ વીજળી અને અન્ય જાહેર સેક્ટરમાં 10.5 ટકાની સામે 9 ટકાનો વધારો થયો છે.
બાંધકામ સેક્ટરની વાત કરીએ તો ગ્રોથ રેટ 9.5 ટકા રહ્યો છે. જે અગાઉના ક્વાર્ટરમાં 13.5 ટકા હતો. વેપાર, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ્સ અને સંદેશાવ્યવહારમાં જીડીપી 4.5 ટકાથી વધીને 6.7 ટકા થયો છે. આ સાથે ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટ સર્વિસનો ગ્રોથ રેટ 7 ટકા રહ્યો છે. જે અગાઉ 6.2 ટકા હતો.