નડિયાદ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે, નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવા આવતા તેમજ જુના દસ્તાવેજો કઢાવી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવતી હોવાની બૂમો છેલ્લા ઘણાં સમયથી ઉઠવા પામી હતી. જેના પગલે નડિયાદ એસીબીએ ડિકોય ગોઠવીને જૂના નોંધાયેલા દસ્તાવેજ કઢાવી આપવાના બદલામાં રૂા. ૩૦૦૦ની લાંચ માંગણી કરનાર કરાર આધારિત કર્મચારી એસીબીના છટકામાં રૂા. ૩૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ એસીબી કચેરીના અધિકારીઓને આધારભૂત માહિતી મળી હતી કે જિલ્લા સેવાસદન નડિયાદ ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ અરજદારો પાસેથી મિલકત સંબંધેના દસ્તાવેજો અંગે ઈન્ડેક્ષની નકલ કાઢી આપવાના બદલામાં રૂા. ૧૦૦૦ થી રૂા. ૩૦૦૦ સુધીની લાંચ માગે છે. જે આધારે એસીબી કચેરી દ્વારા આજરોજ ડીકોયરનો સંપર્ક કરી સાથ સહકાર મેળવી ડીકોય છટકાનું આયોજન કર્યું હતું.