મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે પાંચ દિવસ પહેલાં વિધાનસભામાં કહ્યું હતું કે મ્યાનમાર સરહદ સાથે જોડાયેલા પાંચ પહાડી જિલ્લામાં વણઓળખાયેલાં ગામો વસી ગયાં છે. જેના કારણે મણિપુરની ડેમોગ્રાફી બગડી ગઇ છે. સીએમે પોતાના નિવેદનમાં આવાં ગામોની સંખ્યા દર્શાવી ન હતી પરંતુ ભાસ્કરને જમીન અને મહેસૂલી વિભાગ પાસેથી મળેલા ડેટાથી જાણવા મળ્યું છે કે 2006થી અત્યાર સુધી મણિપુરના પાંચ પહાડી જિલ્લામાં 1853 ગેરકાયદે ગામ વસી ચૂક્યાં છે.
મોટા ભાગનાં ગામ મુખ્ય રસ્તાથી 5-6 કિમી અંદર જંગલોમાં સ્થિત છે. અહીં 15 હજારથી વધારે લોકો રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમાં કેટલાક તો મતદારો પણ બની ચૂક્યા છે. ગયા વર્ષે મે મહિનામાં હિંસા ભડકી ઊઠ્યા બાદ તપાસ કરાતા એક કારણ આ ગામ પણ હતાં.
હવે સરકાર જાગી છે : સરહદ પર 10 કિમીમાં વાડ લગાવાઇ, અવરજવર બંધ
હાલમાં જ સરકારે મ્યાનમારથી સ્વતંત્ર અવરજવર સાથે સંબંધિત સમજૂતી રદ કરી દીધા બાદ સરહદ પર નજર રાખવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગૃહ મંત્રાલય દ્વારા મ્યાનમાર સાથે જોડાયેલી સરહદ પર વાડ બાંધવાની કામગીરી શરૂ કરી છે. મણિપુરના મોરેહ ટાઉનમાં 10 કિમીથી વધુ વિસ્તારમાં વાડ બાંધવામાં આવી ચૂકી છે.
મ્યાનમાર સરહદ પર વધતાં ગામની સંખ્યા ચિંતાજનક, ફરજિયાત રજિસ્ટ્રેશન જરૂરી
મ્યાનમાર અને બાંગ્લાદેશમાં આંતરિક અશાંતિના કારણે અહીંથી મણિપુરમાં આવીને વસનાર લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. હવે આ મુદ્દાને લઇને સરકાર જાગી ગઇ છે. સાથે સાથે કઠોર કાર્યવાહી કરવાની ધમકી આપી રહી છે. ગેરકાયદે ગામોમાં આવીને વસનાર લોકોની નોંધણી સરકારે ફરજિયાત કરવી જોઇએ. જેથી રાજ્યમાં તેમના પર નજર રાખી શકાય. પહાડી હિસ્સામાં ગામોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં સુધારા કરવા જોઇએ.