દેશના સૌથી સૂકાભઠ્ઠ વિસ્તારો પૈકીનું એક છે જેસલમેરનું અડબાલા ગામ. અહીં એક જ તળાવ નામે સાંવરાઈ છે. આ તળાવ આસપાસનાં 8 ગામડાંના 11 હજાર જેટલા લોકોની તરસ છીપાવે છે. પ્રવાસન માટે જેસલમેર ઘણું પ્રખ્યાત હોવાને કારણે અહીં અનેક રિસોર્ટ આવેલાં છે. જળયુદ્ધની શરૂઆત અહીંથી થઈ. દસ વર્ષથી આ રિસોર્ટ આ તળાવનાં પાણીથી જ ધમધમતાં હતાં અને તેનું પરિણામ ગ્રામજનોને ભોગવવું પડતું હતું. પ્રવાસીઓની તરસ છીપાવતાં-છીપાવતાં તળાવનું ગળું સુકાવા લાગ્યું હતું.
દર વખતે ઉનાળામાં પાણી માટે જંગ છેડાઈ જતો હતો. તળાવ ગામનું જ હોવા છતાં ગ્રામજનોને દોઢ-દોઢ હજાર રૂપિયામાં ટૅન્કર મગાવવા પડતાં હતાં. ગામના પુરુષોએ પાણીની ચોરી રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી ન શક્યા. 2022માં મહિલાઓએ મોરચો સંભાળ્યો. ‘પાણી બચાવ આંદોલન’ માટે 25 ‘જળસાહેલી’ મેદાને ઉતરી ત્યાર પછી ચોરીનો સિલસિલો બંધ થયો. આ જળસાહેલીઓની સફળતા પાછળ જોધપુરનું ઉન્નતિ સંગઠન હતું.
જળસાહેલી કમલા દેવી કહે છે, ‘કેટલાંય વર્ષોથી વરસાદ પછી તળાવને 40-45 દિવસમાં ખાલી થઈ જતાં જોતી હતી. એક બપોરે પાણી લેવા માટે ટૅન્કર આવ્યું તો અમે અટકાવ્યું. એટલું જ નહીં, પાણી તળાવમાં ખાલી કરાવ્યું. ભાનુદેવી કહે છે કે વાત આટલેથી ન અટકી. અમે રિસોર્ટના માલિકો પાસે ગયા. અમારા માટે પાણીની મહત્ત્વતા સમજાવી, પછી ટૅન્કરો આવતાં બંધ થયાં. ‘ઉન્નતિ’નાં ધર્મુ કંવર કહે છે કે રાત્રે મહિલાઓ જ તળાવનો પહેરો ભરતી હતી. પાણી મુદ્દે જૂથના નિયમો આકરા છે. નિયમ તોડે તેને 1000 રૂપિયાનો દંડ કરાય છે. 5 મહિલાથી જળસાહેલી જૂથની શરૂઆત થઈ હતી અને આજે તેમાં 25 મહિલા છે. જળસાહેલીઓએ ખનનને કારણે પાણીનું વહેણ બદલાઈ જતું હોવાથી ખનનમાં સામેલ ગામોમાં જતું પાણી પણ અટકાવી દીધું છે.