અમદાવાદ જિલ્લામાં આગામી 7મી મે, 2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. મતદાનની કામગીરી સુઆયોજિત અને શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પશ્ચિમ(8) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જમાલપુર-ખાડિયા (52) વિધાનસભા અને એલિસબ્રિજ (44) વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર તથા વિવિધ કર્મચારીઓ માટે તાલીમ વર્ગનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા આ તાલીમ વર્ગોની મુલાકાત લઈ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી ગંભીરતા અને જવાબદારીપૂર્વક કરવા અનુરોધ કર્યો હતો તેમજ ચૂંટણી અંગે વિગતવાર જાણકારી આપી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ હોલ ખાતે એલિસબ્રિજ વિધાનસભા તથા કેમેસ્ટ્રી વિભાગ ખાતે જમાલપુર- ખાડિયા વિધાનસભા મતવિસ્તારના તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ વર્ગો મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ યોજાયા હતા.
આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે, તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા, મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી ડો.દિનતા કથીરિયા, શ્રી પરેશભાઈ પ્રજાપતિ, મામલતદાર શ્રી નીલેશભાઈ રબારી, શ્રી એમ.એન.પારેખ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.