અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 24×7 કાર્યરત હેલ્પલાઇન નંબર પરથી ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના મળી રહ્યા છે જવાબ
વોટર્સ હેલ્પલાઇન 1950 પર નાગરિકો મેળવી શકે છે તેમના મતાધિકારને લગતી સમસ્યાઓનું સમાધાન
લોકશાહીનું મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારે આ અવસરમાં સહભાગી થવા માટે નાગરિકોનો ઉત્સાહ વધારવા અને મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કર્યા છે. આવો જ એક પ્રકલ્પ છે ‘1950’ વોટર્સ હેલ્પલાઇન.
આ હેલ્પલાઇન દ્વારા જિલ્લાના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા માટે 24×7ના ધોરણે કલેક્ટર કચેરી ખાતે અલાયદું યુનિટ કાર્યરત છે. આ યુનિટ નાગરિકોના ફોનકોલ્સને એટેન્ડ કરી તેમના પ્રશ્નો અને મૂંઝવણોના ઉકેલ આપે છે.
ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં ‘1950’ સેલને 1695થી વધુ ફોન કોલ્સ મળ્યા છે. જેમાં પૂછાયેલા સવાલોનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે.
નાગરિકો દ્વારા મોટાભાગે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતની બાબતો વિશે સવાલો પૂછવામાં આવે છે, જેના જવાબ આ સેલ દ્વારા સંતોષકારક રીતે આપવામાં આવે છે. નાગરિકો દ્વારા મતદાન વેળાએ કેટલા દસ્તાવેજો માન્ય ગણાય છે, મતદાર યાદીમાં નામ છે કે કેમ, મતદારયાદીમાં સુધારા માટે કરેલી અરજીનું શું સ્ટેટ્સ છે વગેરે પ્રકારના અનેક સવાલો અત્યાર સુધીમાં પુછાઇ ચૂક્યા છે.
આમ, ‘1950’ હેલ્પલાઇન માધ્યમથી નાગરિકોને સતાવતા સવાલોનો જવાબ મળે છે. સાથોસાથ જરૂરી જાણકારી મળવાથી તેઓ અન્ય લોકોને માહિતી આપી જાગૃતિ ફેલાવી રહ્યા છે. મતદાન વધારવા તથા મતદારોની મૂંઝવણો દૂર કરવા માટેનો ચૂંટણી પંચનો આ પ્રકલ્પ નાગરિકોની પ્રશંસા પામી રહ્યો છે.