રશિયન ગ્રૂપ સોવકૉમ્પ્લોટ પર પ્રતિબંધથી ભારતની ક્રૂડ આયાત ઘટવાની આશંકા હતી
રશિયન ક્રૂડ પરના અમેરિકી પ્રતિબંધો છતાં ભારત મિત્ર દેશ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની મોટાપાયે ખરીદી કરી રહ્યું છે. હાલમાં રશિયન ક્રૂડ ભરેલા ચાર ટેન્કર ભારતીય બંદરો પર છે કે બંદરો તરફ આગળ વધી રહ્યા छे. આ ટેન્કરો ભારતીય રિફાઈનરીઓને ક્રૂડ સપ્લાય કરશે. અગાઉ એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે રશિયાના સરકારી ટેન્કર ગ્રૂપ સોવકૉમ્બ્લોટ પર લાગેલા અમેરિકી પ્રતિબંધને કારણે ભારતની ક્રૂડ આયાત ઘટી જશે. ભારત પ્રતિબંધો પહેલાં સુધી સોવકૉફ્લોટ ગ્રૂપના ટેન્કરો દ્વારા જ ફૂડની આયાત કરતું હતું.
બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે રશિયન સોકોલ ક્રૂડ ઓઇલ લઈ જતા ત્રણ ટેન્કર ભારતીય બંદરો નજીક ઊભા છે, જે દર્શાવે છે કે અમેરિકાના આકરા પ્રતિબંધોને કારણે સર્જાયેલી જટિલતાઓ છતાં ભારત-રશિયા વચ્ચે ક્રૂડનો વ્યાપાર થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર સોવકૉફ્લોટ કંપનીનું વોસ્તોચન પ્રોસ્પેક્ટ ટેન્કર ભારતના સિક્કા બંદર પર ઊભું છે. જોકે આ અગાઉ ભારતીય ઓઈલ કંપનીઓએ કહ્યું હતું કે તેઓ રશિયાથી ક્રૂડની આયાતમાં સોવકૉમ્ફફ્લોટ કંપનીના ટેન્કરોનો ઉપયોગ નહીં કરે પણ રિપોર્ટ મુજબ ભારત હવે અમેરિકી પ્રતિબંધોની પરવા નથી કરી રહ્યું.
અમેરિકાએ યુક્રેન પર રશિયાના હુમલાને બે વર્ષ પૂરા થવા પર અને રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવેલનીના મોતનો બદલો લેવા ફેબ્રુઆરીમાં પ્રતિબંધો જાહેર કર્યા હતા. સોવકૉફ્લોટ ગ્રૂપ આ પ્રતિબંધોના નિશાના પર હતું.
અમેરિકાએ આ ગ્રૂપ પર રશિયન ક્રૂડ પર G૭ની મૂલ્ય સીમાનું ઉલ્લંઘન કરવામાં સંડોવણીનો આરોપ મૂક્યો હતો. સોવકૉફ્લોટ પાસે ક્રૂડ ઓઈલના ૧૪ ટેન્કરનો કાફલો છે. અમેરિકાની એવી ધારણા હતી કે રશિયન ટેન્કરો પર પ્રતિબંધથી રશિયાની ક્રૂડની નિકાસ પર અસર પડશે.