લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. 24 કલાકમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બોક્સર વિજેન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટીને રામ-રામ કર્યા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે. ગૌરવ વલ્લભની સાથે બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્મા, આરજેડી ઉપેન્દ્ર પ્રસાદને વિનોદ તાવડે દ્વારા પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું છે.
Former Congress leader Gourav Vallabh joins BJP
Read @ANI Story | https://t.co/Anly3INXeQ#GouravVallabh #CongressParty #BJP pic.twitter.com/Dg1nfWs3wM
— ANI Digital (@ani_digital) April 4, 2024
અગાઉ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું
આજે સવારે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજીનામું આપતી વખતે પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું હતું. પોતાના રાજીનામાની પોસ્ટમાં ગૌરવ વલ્લભે કહ્યું હતું કે ‘હું જ્યારે પાર્ટીમાં જોડાયો હતો તે સમયની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં દુનિયાનો તફાવત છે.’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે ‘તેઓ સવાર-સાંજ સનાતન વિરોધી નારા લગાવી શકતા નથી કે દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરી શકતા નથી. તેથી તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.’
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો હતો
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કહ્યું હતું કે, ‘હું ભાવુક છું. મન વ્યથિત છે. મારે ઘણું કહેવું છે, લખવું છે, પરંતુ, મારા સંસ્કાર મને આવું કંઈપણ કહેવાની મનાઈ કરે છે જેનાથી બીજાને દુઃખ થાય. તેમ છતાં, આજે હું મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે સત્ય છુપાવવું એ પણ ગુનો છે, અને હું આ ગુનાનો ભાગ બનવા માંગતો નથી. કોંગ્રેસ પ્રવક્તાએ આગળ લખ્યું હતું કે, ‘હું ફાયનાન્સનો પ્રોફેસર છું. કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ મેળવ્યા બાદ પાર્ટીએ મને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યો હતો. ઘણા મુદ્દાઓ પર પાર્ટીનું વલણ દેશના મહાન લોકો સમક્ષ શક્તિશાળી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું પાર્ટીના સ્ટેન્ડથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું. જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. જ્યાં યુવા, બૌદ્ધિક લોકો અને તેમના વિચારોનું મૂલ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને સમજાયું કે પાર્ટીનું હાલનું સ્વરૂપ નવા વિચારો સાથે યુવાનો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી.’