અમેરિકાના વિદેશમંત્રી લોઈડ ઓસ્ટિને કહ્યું કે, ભારતીય સેનાની ક્ષમતા વધારી બંને દેશો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વધુ સ્થિર તેવું ‘શક્તિ સંતુલન’ જાળવવા સાથે મળીને કામ કરી શકે તેમ છે. તેઓએ સંરક્ષણ મંત્રાલયનાં વાર્ષિક બજેટ અંગે આ સપ્તાહે કોંગ્રેસ સમિતિએ હાથ ધરેલી સુનાવણી દરમિયાન સમિતિને કહ્યું કે અમેરિકા તથા ભારતની નૌ-સેનાઓ સમુદ્રી પરિચાલન ગતિવિધિ ઝડપી બનાવી રહ્યાં છે. આ સાથે ભારત-અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.
ઓસ્ટિને વધુમાં જણાવ્યું કે આ ભાગીદારી બંને માટે હિતકારી છે.
આ ઉપરાંત એક અલગ સુનાવણીમાં ‘ઈન્ડો પેસિફિક રીજીયન કમાન્ડ’ના કમાન્ડર એડમિરલ જહોન સી. એક્વિવિનોએ સાંસદોને કહ્યું કે ‘ચીનનું આક્રમક વલણ જોતાં મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારત-અમેરિકાની મજબૂત અને સહકારભરી રણનીતિ અત્યંત આવશ્યક છે.’ આ સાથે કમાન્ડર એક્વિવિનોએ ઉક્ત સમિતિને કહ્યું કે, ૨૦૨૧થી ભારત સાથે ચીનના ચાલી રહેલા સીમા વિવાદ અંગે ચીને એક ‘ભૂમિ સીમા કાનુન’ પણ તેની સંસદમાં પસાર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયનાના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતા અતૂટ છે.’ તેમાં સંરક્ષણ માટે પી.એલ.એ.ની અધિક સક્રિયતા અંગે કાનૂની રૂપ રેખા પણ સમાઈ છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે લડાખ તેમજ દોકલામ અને અરૂણાચલ પ્રદેશમાં પણ ચીનના લશ્કરે ભારતના હાથે માર ખાધા પછીએ સૌથી પહેલાં લડાખ ઘટના અંગે ચીનનાં સત્તાવાર મીડીયામાં (ચીનમાં સરકારી વર્તમાનપત્રો જ છે) લખવામાં આવ્યું હતું કે ‘આપણી ભૂમિ ઉપર ભારતે આક્રમણ કર્યું હતું પરંતુ તેનો આપણાં સૈન્યે કટ્ટર જવાબ આપ્યો હતો.’
આ વિષે સાચી ઘટના તો તે હતી કે લડાખ વિસ્તારમાં ચીનના સૈનિકોને ભારતના જવાનોએ ‘ફીઝીકલી’ માર્યા હતા. (તેમને પકડીને ઢીંકા-પાટું માર્યા હતા) અત્યારે લડાખમાં ભરવાડો ચીનના સૈનિકો આગળ વધવા જાય છે તો ધમકાવી પાછા ધકેલે છે. દોકલામ ખીણમાં ભારત ઉંચાઈએ છે. ચીનાઓ નીચેની બાજુએ છે. તેઓ આગળ વધી શકે તેમ જ નથી. ભૂતાન તરફ આગળ ગયા તો ત્યાં તેમને ભારતે હઠાવ્યા હતા. અરૂણાચલમાં તેની કારી ફાવતી નથી. આથી હવે ચીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પગ-પેસારો કરવાની શરૂઆત કરી છે. બીજી તરફ ભારતે અરબી સમુદ્રમાં હુથી તેમજ સોમાલી ચાંચીયાઓને પરાસ્ત કરી ભારતનું નૌ-સેના પ્રભુત્વ લગભગ તે વિસ્તારમાં સ્થાપી દીધું છે. આથી ચીન ખરેખરૂં ગીન્નાયું છે. તેણે માલદીવ સાથે કરારો કરી ત્યાં નૌકા મથકો સ્થાપવાનો પ્રારંભ કર્યો છે. વહેલા કે મોડાં હિન્દ મહાસાગરમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવ વધવાનો જ છે. પ્રશાંત મહાસાગરમાં ચીન ફિલીપાઈન્સની સાથે ટકરાવમાં છે. તૈવાનને ગળી જવા ડ્રેગન ફૂંફાડા મારે છે. આ સંયોગોમાં ભારત-અમેરિકા વચ્ચે સમુદ્રીય સંરક્ષણ અંગે કરારો થાય તે ભારતના હિતમાં જ છે અને ભારતનો સાથ હોય તો અમેરિકા ચીનને હિન્દ મહાસાગર પછી એટલાંટિક મહાસાગરમાં આવતું રોકવામાં સહાય થાય માટે તે કરારો અમેરિકા માટે પણ લાભદાયક બને તેમ છે.