અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનનો ઉલ્લેખ કરતા એક અગ્રણી ભારતીય અમેરિકન સાંસદે ‘હિન્દુફોબિયા’ એટલે કે હિન્દુ વિરોધી કટ્ટરતા, નફરત અને અસહિષ્ણુતાની ટીકા કરતા પ્રતિનિધિ સભામાં એક દરખાસ્ત રજૂ કરી છે. કોંગ્રેસના સાંસદ શ્રી થાનેદરે બુધવારે રજૂ કરેલી દરખાસ્ત ગૃહની ઓવરસાઈટ એન્ડ એકાઉન્ટેબિલિટી અંગેની સમિતિ પાસે મોકલવામાં આવી છે.
કોંગ્રેસ સાંસદ શ્રી થાનેદારે રજૂ કરેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે અમેરિકામાં સકારાત્મક યોગદાનો છતાં હિન્દુ-અમેરિકનોએ તેમના વારસા અને પ્રતીકો અંગે રૂઢિવાદી અને દુષ્પ્રચારનો સામનો કરવો પડે છે તથા સ્કૂલો અને કોલેજ પરિસરોમાં તેમણે ભેદભાવ, પૂર્વગ્રહ પ્રેરિત ગુના, હેટ સ્પીચનો સામનો કરવો પડે છે.
લગભગ એક પખવાડિયા પહેલાં જ ભારતીય-અમેરિકન સાંસદો રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, શ્રી થાનેદાર, અમી બેરા અને પ્રેમિલા જયપાલે ન્યાય વિભાગને પત્ર લખીને ઘરોમાં તોડફોડની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થવા અંગે તપાસની સ્થિતિ અંગે તેમની પાસેથી માહિતી માગી હતી. પત્રમાં કહેવાયું છે કે ન્યૂયોર્કથી લઈને કેલિફોર્નિયા સુધીના મંદિરો પર હુમલા થઈ રહ્યા છે, જેનાથી અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયમાં ડર અને ગભરાટનું વાતાવરણ છે. મંદિરો પર હુમલાના કેસોમાં તપાસની પ્રગતિ પર પણ સાંસદોએ નારાજગી વ્યક્ત કરી અને સવાલ કર્યો કે તપાસ એજન્સીઓ આવા કેસોનો નિકાલ લાવવામાં શું કરી રહી છે?
પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું છે કે એફબીઆઈના હેટ ક્રાઈમ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ મુજબ મંદિરો અને હિન્દુઓને નિશાન બનાવતા હિન્દુ વિરોધી ધૃણાસ્પદ ગુના દર વર્ષે વધી રહ્યા છે જ્યારે તેની સાથે જ અમેરિકન સમાજમાં ‘હિન્દુ ફોબિયા’ (હિન્દુ વિરોધી અથવા હિન્દુઓ પ્રત્યે ધૃણાની ભાવના) દુર્ભાગ્યપૂર્ણ રૂપે વધી રહ્યો છે. તે મુજબ અમેરિકાએ ૧૯૦૦ પછીથી દુનિયાના બધા જ હિસ્સામાંથી ૪૦ લાખથી વધુ હિન્દુઓનું સ્વાગત કર્યું છે, જેમાં વિવિધ વંશ, જાતિ, ભાષાની પૃષ્ઠભૂમિવાળા હિન્દુઓનો સમાવેશ થાય છે.
આ પ્રસ્તાવ મુજબ અમેરિકન અર્થતંત્રના પ્રત્યેક પાસા અને પ્રત્યેક ઉદ્યોગમાં હિન્દુ-અમેરિકનોના યોગદાનથી દેશને ઘણો લાભ થયો છે. ‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ની નીતિ અને રણનીતિ પ્રમુખ ખાંડેરાવ કાંડે કહ્યું કે, આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં શ્રદ્ધાળુઓને ડરાવવા માટે અમેરિકામાં મંદિરોમાં ચોરીની સાથે જ તોડફોડની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. આ સિવાય પહેલા પણ જોવા મળ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો ભારતના વિરોધમાં મંદિરોને નિશાન બનાવે છે. તેમજ મંદિરોની દિવાલો પર હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર લખે છે.