અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને તેના માટે નોંધણીની શરૂઆત ૧૫ એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવશે.
શ્રાઈન બોર્ડે જણાવ્યું કે, આ વર્ષે અમરનાથ યાત્રા ૪૦ દિવસની હશે. ૨૯ જૂનથી શરૂ થનારી યાત્રા ૧૯ ઑગસ્ટે પૂરી થશે. આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે, જે ૧૫ એપ્રિલને સોમવારથી શરૂ થશે. યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ પર નોંધણી કરાવી શકે છે. વધુમાં નોમિનેટેડ બેન્ક શાખાઓ મારફત પણ નોંધણી કરી શકાશે. આ સિવાય મોબાઈલ એપ્લિકેશન શ્રી અમરનાથજી યાત્રાથી પણ નોંધણી થઈ શકે છે.
અમરનાથ યાત્રા શરૂ થયા પછી પવિત્ર ગુફાથી રોજ સવારે અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ પણ કરાશે. લોકો વેબસાઈટ અને એપ્લિકેશન મારફત પણ આરતીમાં જોડાઈ શકે છે. શ્રાઈન બોર્ડે કહ્યું કે, ૧૩ વર્ષથી ઓછી વયના બાળકો અને ૭૦ વર્ષથી વધુ વયના કોઈપણ શ્રદ્ધાળુ તેમજ છ સપ્તાહથી વધુનો ગર્ભ ધરાવતી મહિલાઓની નોંધણી કરાશે નહીં. અમરનાથ યાત્રા અનંતનાગ જિલ્લાના પારંપરિક ૪૮ કિ.મી. લાંબા નુનવાન-પહેલગામ માર્ગ તથા ગાંદરબાલ જિલ્લામાં ૧૪ કિ.મી. નાના અને સાંકડા બાલટાલ માર્ગથી થાય છે.
અમરનાથ યાત્રા માટે ઈચ્છુ શ્રદ્ધાળુઓ નોંધણી માટે અધિકૃત ડૉક્ટર પાસેથી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્રની સાથે નોંધણી કરાવી શકશે. નોમિનેટેડ બેન્કોના માધ્યમથી નોંધણી માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫૦નો ચાર્જ વસૂલ કરાશે. નોંધણી કરાવનાર શ્રદ્ધાળુએ યાત્રા શરૂ કરતા પહેલા જમ્મુ અને કાશ્મીર સંભાગના વિવિધ સ્થાનો પર સ્થાપિત કોઈપણ કેન્દ્રમાંથી આરએફઆઈડી કાર્ડ લેવાનું રહેશે. આ કાર્ડ વિના ડોમેલ-ચંદનવાડીમાં પ્રવેશ નિયંત્રણ દ્વાર પાર કરવાની મંજૂરી નહીં અપાય.