ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ અને નવસારી બેઠક પરથી સી.આર.પાટિલે આજે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોધાવી છે જેમાં ભવ્ય રેલી-રોડ શો યોજયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટિલ ગઈ કાલે ફોર્મ ભરવાનુ વિજય મુહૂર્ત ચુકી જતા ટાળી દીધુ હતું. આવો જોઈએ કે ચૂંટણી સમયે વિજયમુહૂર્તમાં જ કેમ ઉમેદવારો ફોર્મ ભરવાનો આગ્રહ રાખે છે. વિજય મુહૂર્તને હિંદુ ધર્મમાં ખુબ શુભ માનવામાં આવે છે.
૧૨.૩૯ કલાકના વિજય મુહૂર્તનો અર્થ જીત કે વિજય થાય છે
આ સમયગાળામાં ભરેલુ ફોર્મ ઉમેદવારને વિજયી બનાવે છે તેવી માન્યતા છે. જયોતિષીઓના મતે ભગવાન રામ અને શ્રી કૃષ્ણનો જન્મ પણ આ જ મુહૂર્તમાં થયો હતો. ભગવાન શિવે પણ ત્રિપુરાસુરનો વધ અભિજીત કાળમાં કર્યો હતો. હિંદુ ધર્મમાં અનેક મુહૂર્ત શુભ જ હોય છે આમ છતાંય ૧૨.૩૯ નો સમય વિજય મુહૂર્ત તરીકે વિશેષ ગણાય છે. જયોતિષીઓના મતે સૌથી સારા કુલ ૩૦ મુહૂર્તમાં અભિજીત મુહૂર્ત સૌથી ગણાય છે. અભિજીત એટલે જીત અથવા વિજય. એટલે જ દેશમાં મોટાભાગના સ્થળોએ શુભ કાર્ય કરવા માટે આ જ વિજય મુહૂર્ત એટલે કે ૧૨.૩૯ કલાકના સમયને પંસદ કરવામાં આવે છે. સભા, પ્રાણ પ્રતિષ્ઠા,શપથવિધિ, ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય મુહૂર્ત પર આધાર રાખવામાં આવે છે. એવું નથી કે તમામ વારના ૧૨.૩૯નો સમય વિજય મુહૂર્ત ગણાય છે કેટલાક જયોતિષીના મતે બુધવારે આ સમય વિજય મુહૂર્ત ગણાતો નથી. બુધવારે રાહુની ઉર્જા વિદ્યમાન હોવાથી રાહુ કાળ હોય છે. તેથી બુધવારે અભિજીત મુહૂર્તનો ઉપયોગ કરવો હિતાવહ નથી.