આચાર્ય પક્ષ અને દેવ પક્ષના જંગ માટે કુલ 12 ઉમેદવારો
કુલ 31 મતદાન મથકમાં ચૂંટણી યોજાશે
ગઢડા(સ્વામીના) મુકામે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહિવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ ચૂંટણી યોજાશે. આ ચૂંટણી તારીખ 21 એપ્રિલના રોજ ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે લડાશે. તેમજ મત ગણતરી 22 એપ્રિલના રોજ યોજાશે. આ ચૂંટણી માટે બોર્ડના વહિવટ ઉપરાંત મુખ્યત્વે આચાર્યના ચાલી રહેલા વિવાદની લડાઈ માટે સીધી અસરકર્તા બનવા પામી છે.
આ ચૂંટણી અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિવૃત જજ બી.જે. ગણાત્રા તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બી.આર. વાઘેલા જવાબદારી સંભાળી રહ્યા છે. આ ચૂંટણીમાં ત્યાગી એટલે સાધુ અને પાર્ષદ વિભાગ માટે બે-બેહ ઉમેદવારો તથા ગૃહસ્થ વિભાગ માટે 4-4 ઉમેદવારો મળીને આચાર્ય પક્ષ તથા દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જે પૈકી બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના કપિલેશ્વરાનંદજી અગાઉ બિનહરીફ જાહેર થવા પામેલ છે. આ ચૂંટણી માટે જાહેર થયેલી આખરી મતદાર યાદી મુજબ ગૃહસ્થ વિભાગમાં કુલ 25,197 મતદારો, સાધુ વિભાગમાં કુલ 132 મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ 76 મતદારોનો સમાવેશ થયેલો છે. આ ચૂંટણીને સફળ બનાવવા માટે ત્યાગી વિભાગ માટે ગોપીનાથજી દેવ મંદિર ખાતે એક મતદાન મથક તેમજ ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મી વાડી ખાતે 30 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં એક મતદારે ચાર મત આપવાના થતા હોય છે. જયારે મતગણતરી તારીખ 22 એપ્રિલના રોજ લીમતરૂ ભવન (વ્હાઈટ હાઉસ) ખાતેના ભોંયરામાં યોજવામાં આવશે. આ ચૂંટણીમા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સત્સંગીઓમા ભારે ઉતેજના જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત જાળવવા માટે આયોજન કરાયુ છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિસ્ટ્રીકટ કોર્ટની સૂચના મુજબ જુદા જુદા વિભાગોમાંથી કુલ 160 જેટલા કર્મચારીઓને તાલીમ આપીને ફરજ ઉપર મુકવામાં આવશે.