પશ્ચિમ બંગાળમાં ગયા સપ્તાહમાં જ કોલકાતા હાઇકોર્ટ દ્વારા 25753 શિક્ષકોની નિમણૂકોને રદ કરવામાં આવ્યા બાદ આ ચુકાદાની અસર હવે દેખાવવા લાગી ગઇ છે. રાજ્યમાં આશરે 1300 સરકારી સ્કૂલોના મોટા ભાગના શિક્ષકોની નિમણૂંકોને રદ કરવામાં આવી છે. હવે આ સ્કૂલોમાં શિક્ષકો રહ્યા નથી.
ખાસ કરીને ધોરણ-10 અને 12માં સ્થિતિ વધારે ખરાબ છે. આ મામલામાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ છે,. હવે સોમવારે આ મામલે સુનાવણી કરાશે. પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઇને નિર્ધારિત ગુણોત્તર (40 :1) પહેલાથી જ ઓછો છે.પરંતુ મોટા ભાગની સ્કૂલોમાં આ ગુણોત્તર 30 :1 છે. હવે એક સાથે એટલી મોટી સંખ્યામાં નોકરી જતી રહેતા ચિત્ર દયનીય અને ચિંતાજનક છે.
60માંથી 36 શિક્ષકોની નોકરી ગઇ, બાળકોને ભણાવવું મુશ્કેલ
- મુર્શિદાબાદ જિલ્લાના ફરક્કા સ્થિત અર્જૂનપુર ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં હાઇકોર્ટના ચુકાદા પહેલા સ્કૂલમાં 60 શિક્ષકો હતા. હવે ઘટીને 24 રહી ગયા છે. અન્ય 36ની નોકરી જતી રહી છે. સ્કૂલના કાર્યવાહક પ્રિન્સિપાલ મોહમ્મદ સોહરાબ અલીએ કહ્યુ છે કે ગ્રામીણ વિસ્તાર હોવાના કારણે આશરે 10 હજાર બાળકો છે. જે લોકોની નોકરી જતી રહી છે તે પૈકી 20ની નિમણૂંક સીધી રીતે સ્કૂલમાં થઇ હતી. બાકી 16 લોકો અન્યત્ર જગ્યાથી ટ્રાન્સફર થઇને આવ્યા હતા. હવે બાકી રહેલા 24 સ્થાયી શિક્ષકો માટે આટલી મોટી સંખ્યામાં બાળકોને ભણાવવાની બાબત મુશ્કેલ છે. શિક્ષક મોહમ્મદ ઇસ્લામ કહે છે કે હું ટ્રાન્સફર લઇને અહીં આવ્યો હતો પરંતુ હવે નોકરી જતી રહી છે.
- મુર્શિદાબાદ જિલ્લામાં હરિહરપાડા સ્થિત લાલનગર હાઇસ્કૂલના 30માંથી 17 શિક્ષકોની નોકરી જતી રહી છે. સ્કૂલના પ્રિન્સિપાલ એસ. વિશ્વાસ કહે છે કે આવી સ્થિતિમાં સ્કૂલ ચલાવવાની બાબત મુશ્કેલરૂપ બની છે.
60 હજાર પ્રાઇમરી શિક્ષકો પર તલવાર લટકી રહી છે
પશ્ચિમ બંગાળમાં હવે ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 2014ના ઉમેદવારોની ચિંતા વધી ગઇ છે. આમા પણ ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. મામલો કોલકાતા હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. હાઇકોર્ટના જસ્ટિસ રાજશેખર માંથાએ સીબીઆઇને ચેતવણી આપી છે કે જો આ મામલામાં ઓએમઆર શીટ એટલે કે ઉત્તરવહીઓ સાથે સંબંધિત તમામ પુરાવા નહીં મળે તો આ પરીક્ષાને પણ રદ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ટટમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આનુ પરિણામ 2015માં આવ્યુ હતુ. સાથે સાથે 2016માં આશરે 60 હજારને નોકરી મળી હતી. ગયા વર્ષે જુનમાં જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે 2016માં ભરતી કરવામાં આવેલા 42500 પ્રાથમિક શિક્ષકો પૈકી 36000ની સેવા ખતમ કરવાનો આદેશ જારી કર્યો હતો.
ગણિત, વિજ્ઞાનના શિક્ષકો નથી, 18 ટીચર પર 2200 વિદ્યાર્થીઓનો બોજ
કોલકતાની સાથે જોડાયેલા દક્ષિણ 24 પરગના જિલ્લાના ભાંગડ પોલેરહાટ હાઇસ્કૂલના 39 પૈકી છ શિક્ષકોની નોકરી જતી રહી છે. સ્કૂલના પ્રિન્સિપાલ સંદીપ સરકાર કહે છે કે આ છ લોકોમાં ફિઝિક્સ , ગણિત અને બાયોલોજીના શિક્ષકો સામેલ છે. સ્કૂલના ટીચર્સ ઇન્ચાર્જ તોહા મંડળ સવાલ કરે છે કે માત્ર 18 શિક્ષકો 2200ને કઇ રીતે ભણાવશે.