દરેક વ્યક્તિએ તેના જીવનમાં કોઈને કોઈ તબક્કે નસ ચડી જતા થતી પીડા અનુભવી હોય છે. આ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણી પીડાદાયક હોઈ શકે છે. ત્યારે નસ કેમ ચડી જાય છે તેની પાછળનું કારણ જાણીએ તો તેનું સૌથી મહત્વનું કારણ શારીરિક નબળાઈ છે. ઘણી વખત સ્નાયુઓના સંકોચનને કારણે નસ ચડી જાય છે. જેમાં ક્યારેક સ્નાયુઓમાં ગાઠ બની જાય છે અને અસહ્ય પીડા થવા લાગે છે. ત્યારે આટલું કામ કરી લેશો તો નસ જલદી ઉતરી જશે.
1. સ્ટ્રેચિંગ કરો : જો તમને તમારા પગની નસ ચડી જાય, તો તરત જ પગને ખેંચો. આ માટે તમે તમારા હાથથી તમારા પગને સ્ટ્રેચ કરી શકો છો. અથવા તમે તમારા પગને પણ હલાવી શકો છો. જો તમે વારંવાર નસ ચડી જવાથી પીડાતા હોવ તો તમારા માટે દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. નિયમિત કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વેરીકોઝ વેઈન્સની સમસ્યાથી પણ રાહત મળે છે.
2. થોડીવાર વોક કરો : પગની નસ ચડી જાય ત્યારે ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ તેનાથી રાહત મેળવવા માટે ધીમે ધીમે કરીને પગને સીધો રાખી ચાલવા પ્રયાસ કરો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચડી ગયેલી નસ થોડા ડગલાં ચાલવાથી દૂર થઈ શકે છે અને તેનાથી તમને ઘણી રાહત મળી શકે છે.
3. મસાજ કરો : હાથ, પગમાં કાયમની નસ ચડી જવાની સમસ્યા રહેતી હોય તો આ કિસ્સામાં, તમે અસરગ્રસ્ત વિસ્તારની મસાજ પણ કરી શકો છો. આ માટે તમારે સરસવ અથવા તલનું તેલ લેવું જોઈએ. આને થોડું ગરમ કરો અને પછી અસરગ્રસ્ત વિસ્તારને હળવા હાથે મસાજ કરો. તમારા પગને 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી તમને દુખાવામાં રાહત મળે છે.
4. બરફ લગાવો : બરફ લગાવવાથી નસ ચડી જવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે. જો તમારા પગમાં અચાનક નસ ચડી જાય, તો બરફનો ટુકડો લો. તેને કપડામાં રાખો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. અસરગ્રસ્ત જગ્યા પર બરફ લગાવવાથી નસ ધીમે ધીમે ઉતરી જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે.
5. ગરમ પાણીનો શેક કરો : જો પગ પર નસ ચડી જતી હોય, તો તમે ગરમ પાણીનો શેક કરી શકો છો. આ માટે, હીટિંગ પેડને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને તેને થોડીવાર માટે આ રીતે રાખો. તમને 1-2 મિનિટમાં પીડામાંથી રાહત મળશે. જો તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો.