સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગાંધી પરિવારના જમાઈ રૉબર્ટ વાડ્રાએ પ્રતિક્રિયા આપી છે. વાડ્રાએ કહ્યું કે, ‘જો કોઈ નિવૃત્ત બાદ વિશ્વના કોઈ ખુણામાં બેઠો હોય તો તે ઈચ્છતો હોય છે કે, તેની નામના વધે અને આ જ કારણે તેઓ ફાલતુ નિવેદનો આપી રહ્યા છે.’
પિત્રોડા પર બગડ્યાં વાડ્રા
રૉબર્ટ વાડ્રાએ કહ્યું કે, ‘સામ પિત્રોડા પોતાને લાઈમલાઈટ રાખવા માટે સોફા પર બેસી કંઈપણ બોલી રહ્યા છે. તેઓ માત્ર બકવાસ કરી રહ્યા છે. પિત્રોડા ભાજપના ઈશારે નિવેદનબાજી કરી રહ્યા હોવાનો પ્રશ્ન કરતા વાડ્રાએ કહ્યું કે, ‘ના એવું નથી. તેમણે રાજીનામું આપી દીધું, તેનાથી હું ખુબ ખુશ છું. મેં પહેલા જ કીધું હતું કે, તેઓ વધુ બોલે તે પહેલા તેમને નિવૃત્ત કરી દેવા જોઈએ.’
‘ભાજપને કારણવગરનો મુદ્દો મળ્યો’
તેમણે કહ્યું કે, ‘જો તમને ગાંધી પરિવાર સાથે જોડવાની તક મળી છે તો તમારે સમજદારીથી પગલા ભરવા જોઈએ. એકતરફ રાહુલ, પ્રિયંકા અને કોંગ્રેસ ભરપુર મહેનત કરી રહ્યા છે, તો બીજીતરફ પિત્રોડાના બિનજરૂરી નિવેદનનો કારણે ભાજપને કારણ વગરનો મુદ્દો ઉઠાવવાની તક મળી ગઈ છે.’
શું કહ્યું હતું સામ પિત્રાડાએ ?
સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.’ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.’ તેમના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ભારે વિવાદ મચ્યો છે.
સામ પ્રિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે શું કહ્યું હતું?
સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.’ ત્યારબાદ આઠમી મેએ સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કર્યો હતો. આ અંગે જયરામ રમેશે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
વડાપ્રધાન મોદીએ પિત્રોડા પર કર્યા હતા આકરા પ્રહાર
તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે ‘જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.’
પિત્રોડાએ અગાઉ વારસાઈ ટેક્સનો મુદ્દે ઉછાળ્યો હતો
ઉલ્લેખનીય છે કે અગાઉ પિત્રોડાએ વારસાઈ ટેક્સનો પણ ઉલ્લેખ કરીને કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી હતી. અગાઉ કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું હતું કે ‘અમેરિકા (America)માં વારસાગત ટેક્સ ચાલે છે, જેમાં જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી 45 ટકા સંપત્તિ તેના બાળકો પાસે જાય છે જ્યારે 55 ટકા સરકાર લઈ લે છે.’ જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં પિત્રોડાએ કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપે પણ ટેક્સના મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવી દીધો હતો.