સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 44 હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા બાદ ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે જો ઈડીને કોઇની ધરપકડની જરૂર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે. તેના પછી કોર્ટ કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાતના કારણો વિશે જાણીને સંતુષ્ટ થશે તો ફક્ત એક વાર આરોપીની કસ્ટડી આપી શકે છે.
સમન્સ પર કોર્ટમાં હાજર થયેલા આરોપીને કસ્ટડીમાં ગણી શકાય નહીં
જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભૂયણની બેન્ચે કહ્યું કે ‘જો આરોપી સમન્સનું પાલન કરવા માટે વિશેષ કોર્ટમાં હાજર થયો હોય, તો એવું ન માની શકાય કે તે કસ્ટડીમાં છે. અને જો આરોપી સમન્સ બાદ કોર્ટમાં હાજર થયો હોય તો તેને જામીન માટે અરજી કરવાની જરૂર નથી અને PMLA એક્ટની કલમ 45ની બેવડી શરત તેના પર લાગુ થશે નહીં.’
આરોપીને વોરંટ નહીં પણ સમન્સ જારી કરવું જોઈએ
આ ઉપરાંત બેન્ચે કહ્યું કે ‘આરોપીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવી શકાય છે, પરંતુ તેણે તેની મુક્તિ માટે જામીનની શરતો પૂરી કરવી પડશે. જો ED ફરિયાદ દાખલ થાય ત્યાં સુધી આરોપીની ધરપકડ ન કરે, તો કોર્ટે કલમ 44 હેઠળ ફરિયાદનું સંજ્ઞાન લેવું જોઈએ અને આરોપીને વોરંટ નહીં પણ સમન્સ જારી કરવું જોઈએ.’ આ સિવાય જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે ‘અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટ માત્ર ત્યારે જ અટકાયતની મંજૂરી આપી શકે છે જો તે સંતુષ્ટ હોય કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે, ભલે આરોપીની કલમ 19 હેઠળ ક્યારેય ધરપકડ કરવામાં ન આવી હોય. સુપ્રીમ કોર્ટનો નિર્ણય તે મુદ્દા પર આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શું સીઆરપીસીની કલમ 88 હેઠળ કોર્ટમાં તેની હાજરી બતાવવા માટે આરોપી દ્વારા બોન્ડ અમલમાં મૂકવો આવશ્યક છે.