થાળીમાં પીરસાતા પકવાનને સ્વાદિષ્ટ બનાવવા માટે દરેક ઘરમાં નમકનો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે બિલ્કુલ મીઠું નહીં ખાતું હોય. મીઠા વગર ભોજન અધૂરું લાગે છે. દરિયાના પાણીમાંથી મેળવવામાં આવતો એક એવો રાસાયણિક પદાર્થ જે સફેદ દ્રવ્ય, લૂણ, લવણ, નમક, સબરસ જેવા જુદા જુદા નામે બોલાય છે. પણ શું તમે જાણો છો કે મીઠાને સાઈલેન્ટ કિલર માનવામાં આવે છે. જે ધીરે-ધીરે શરીરને નુકસાન પહોંચાડે છે. WHOના રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે તે કે જો આપણે આખા દિવસમાં એક ચમચી એટલે કે 5 ગ્રામથી વધારે મીઠું ખાઈએ તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે અને કેટલાક રોગો થવાની સંભાવના વધે છે. તેનાથી કિડની પર ખરાબ અસર થાય છે, બ્લડપ્રેશરની તકલીફ વધે છે, હાર્ટને નુકસાન થાય છે.
ખોરાકમાંથી 30 ટકા મીઠું ઓછું કરવાનો ટાર્ગેટ
મીઠામાં રહેલું સૌથી જરૂરી તત્વ સોડિયમ હોય છે, જેની ખામીથી શરીરમાં ઘણી બીમારીઓ થઇ શકે છે. સોડિયમ શરીરમાં પાણીના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. માત્ર આટલું જ નહીં, પોષક તત્વો અને ઓક્સિજનને શરીરના અન્ય અંગો સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. WHO તાજેતરમાં મીઠાના ઉપયોગને લઇને એડવાઇઝરી જાહેર કરી છે ત્યારે આજે આપણે મીઠાના વધુ પ્રમાણમાં થતા ઉપયોગથી થતા નુકસાન અને ઓછું મીઠું ખાવાથી થતાં ફાયદા વિશે વાત કરીશું. 2030 સુધીમાં લોકોના ખોરાકમાંથી 30 ટકા મીઠાનું પ્રમાણ ઓછું કરવાનો WHOનું લક્ષ્ય છે. 13 મે થી 19 મે સુધી વર્લ્ડ સોલ્ટ અવેરનેસ વીક મનાવવામાં આવી રહ્યું છે. એટલે આ સમયે મીઠાનું સેવન કેટલું કરવું તે વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે.
ખાવાથી માંડીને ઉદ્યોગમાં મીઠાનો ઉપયોગ
મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં જેટલું ઉપયોગી છે તેટલું જ ઉપયોગી શરીરને તંદુરસ્ત રાખવામાં અને પાચનક્રિયામાં ઉપયોગી છે. સામાન્ય રસોઇ ઉપરાંત મીઠાનો ઉપયોગ અથાણાં બનાવવામાં, માંસને સાચવવામાં તથા માખણમાં ઉમેરવા માટે થાય છે. ખોરાકમાં વધુ પડતું મીઠું બ્લડ પ્રેશરની સમસ્યા સર્જે છે. રાસાયણિક ઉદ્યોગમાં મીઠાનો ઉપયોગ વધુ થાય છે. કોસ્ટિક સોડા અને ધોવાના સોડામાં પણ મીઠું વપરાય છે. સાબુ અને કાચ બનાવવામાં, તેલ-શુદ્ધિકરણ, રંગ ઉદ્યોગ, દવા વગેરેમાં મીઠાનો ઉપયોગ થાય છે.
મીઠાનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી
મીઠું એેક એવી વસ્તુ છે, જે વધુ ખાવાથી અને સંપૂર્ણપણે છોડી દેવાથી નુકસાન થઇ શકે છે. એટલે કે જો તમે યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરો તે સ્વાસ્થ્ય માટે સારું છે. શરીરના અંગોને જરૂરિયાત પ્રમાણે જે બ્લડસર્ક્યુલેશન થવું જોઇએ તે નથી થઇ શક્તું. મીઠું ઓછું ખાવાથી એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલ 4.6% વધી જાય છે. એટલે શરીરમાં મીઠાનું પ્રમાણ સંતુલિત હોવું જરૂરી છે.
શરીરમાં મીઠાનું ઓછું પ્રમાણ વધુ જોખમી
જ્યારે લોહીમાં સોડિયમનું સ્તર નીચે જવા લાગે છે તો હાઇપોનેટ્રિમિયા થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે શરીરમાં ઘણું બધું પાણી સ્ટોર થવા લાગે છે. હાઇપોનેટ્રિમિયા થાય તો તમને માથું દુખવું, ઉબકા આવવા, થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. શરીરમાં સોડિયમની ઉણપના કારણે હાડકાં નબળા પડી જતા હોય છે અને જો હાડકાં નબળા પડવાથી ઑસ્ટિયોપોરોસિસનો ખતરો વધી શકે છે.
હાયપોનેટ્રેમિયા થઈ શકે છે
ઓછા મીઠાવાળા આહારથી હાયપોનેટ્રેમિયા થઈ શકે છે. આનો અર્થ એ છે કે એવી આરોગ્યની સ્થિતિ જેમાં આપણા લોહીમાં સોડિયમનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ જાય છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, હાઈપોનેટ્રેમિયા ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે-
- નબળી માનસિક સ્થિતિ
- હુમલા આવી શકે છે
- મગજમાં પાણી ભરાઈ શકે છે
- કોમામાં સરી જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે