છેલ્લા એક દાયકામાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે તેવા સમયે આ લોકસભા ચૂંટણી દેશના લોકો માટે દુનિયાને ભારતની શક્તિનો પરચો કરાવે તેવા વડાપ્રધાનની પસંદગી કરવાની તક પૂરી પાડે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું. વધુમાં તેમણે ઈન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા ઉમેર્યું કે, આ ગઠબંધનનું વિભાજન થવાનું છે. ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. મોદીએ યુસીસી મુદ્દે પણ વિપક્ષના નેરેટીવની ઝાટકણી કાઢી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જૌનપુર સંસદીય મતવિસ્તારમાં કૃપાશંકરસિંહ અને મછલિશહર (અનામત) બેઠક પર બીપી સરોજના સમર્થનમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, આ ચૂંટણી દેશના વડાપ્રધાનની પસંદગી કરવા દેશવાસીઓને તક આપે છે. દેશના લોકોએ એવા વડાપ્રધાનની પસંદગી કરવી જોઈએ જે મજબૂત સરકાર ચલાવી શકે અને જેના પર દુનિયાનું પ્રભુત્વ ના હોય, પરંતુ તે દુનિયાને ભારતની શક્તિનો પરચો બતાવે. તેથી તમે જૌનપુરમાં કૃપાશંકરજી અને મછલીશહરમાં બીપી સરોજને મત આપવા જાવ ત્યારે તમારો મત મજબૂત સરકારની રચના માટે થવો જોઈએ. તમે જે મત આપશો તે સીધો જ મોદીના ખાતામાં જશે. જય શ્રીરામ અને હર હર મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે મોદીએ ઉમેર્યું કે તમારો ઉત્સાહ બતાવે છે કે ઉત્તર પ્રદેશમાં ઈન્ડી ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે.
પીએમ મોદીએ પ્રતાપગઢમાં વિપક્ષ પર નિશાન સાધતા દાવો કર્યો કે ૪ જૂને પરિણામ પછી ઈન્ડી ગઠબંધનમાં વિભાજન થઈ જશે અને ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા સરકાર હટાવવા માગે છે. તેમની ફોર્મ્યુલા છે પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવીશું. તેઓ દેશને ભાનુમતિનો કુનબો બનાવીને લૂંટવા માગે છે. ૨૦૧૪ સુધી તો આ ગઠબંધનવાળા દેશને બરબાદ કરીને ગયા હતા.