મુડ નથી, ટાઈમ નથી, ટાઈમપાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશના આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનનો શ્રેષ્ઠ ઉદેશ્ય માટે ઉપયોગ કરીએ-પૂ પ્રિતમમુનીજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ, પ્રથમ વર્ષ (સામાન્ય) નો લુણાવાડા, જી. મહીસાગર ખાતે પ્રારંભ થયો. આ વર્ગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 321 શિક્ષાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. વર્ગમાં પ્રશિક્ષણ આપવા માટે 25 શિક્ષકો અને 40 જેટલા પ્રબંધકો કાર્યરત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સંઘકાર્યમાં કાર્યરત વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરે છે. તેના જ ભાગરુપે આજરોજ તા. 18 મે થી લુણાવાડા ખાતે આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલના સંકુલમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો સવારે 9:30 કલાકે લકુલીશ ધામ કાયાવરોહણ આશ્રમના પૂજ્ય પ્રિતમમુનીજીના વરદ હસ્તે ભારતમાતાના ચિત્ર સન્મુખ દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો.
ઉપસ્થિત શિક્ષાર્થીઓ, શિક્ષકોને સંબોધતા પ્રિતમમુનિજી એ જણાવ્યું હતું કે મુડ નથી. ટાઈમ નથી, ટાઈમપાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશના આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનનો શ્રેષ્ઠ ઉદેશ્ય માટે ઉપયોગ કરીએ. જીવનમાં વાંચનનું મહત્વ વધારીએ. 1925માં રોપાયેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે ત્યારે પોતાના જીવનનો રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે ઉપયોગ કરીએ જીવનને એવા સ્થાને લઈ જઈએ જ્યાં આદર્શ પ્રાપ્ત થાય. યોગ્ય ધ્યેય પ્રાપ્ત થાય, અનુશાસન શીખવા મળે. વધુમાં સંધકાર્ય ઉત્તરોત્તર આગળ વધારવા જણાવ્યુ હતું.
આ વર્ગના કાર્યવાહ તરીકે સુરતના મહાનગર કાર્યવાહ શ્રી ગણપતસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ગના પ્રત્યેક ક્ષણનો સદઉપયોગ કરવો, વર્ગ દ્વારા મેળવેલ જ્ઞાન – કૌશલ્યોનો પોતાના સ્થાન પર ઉપયોગ કરવો અને વ્યવસ્થા કૌશલ્ય, સેવા. પંચ પરિવર્તન વિષે માહિતી આપી. વર્ગ થકી આપણે સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા અને આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયોથી માહિતગાર થઈશું.
આ કાર્યક્રમમાં ક્રિસ્ટલ સ્કુલના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટેલ અને ગુજરાત પ્રાંતના સહ કાર્યવાહ શ્રી ડૉ. સુનિલભાઈ બોરીસા પણ ઉપસ્થિત હતા.
15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે. 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી. વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગનું સમાપન 2 જુન 2024ના રોજ થશે.