મે મહિનાનો અડધોથી વધુ સમય પસાર થઈ ગયો છે અને ઉનાળાની આકરી ગરમી પણ લોકોની સ્થિતિ દયનીય બનાવી રહી છે. તીવ્ર તડકાની સાથે, ગરમ પવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હજુ પણ ઘણા દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળા દરમિયાન, સૌથી મોટો ભય ડિહાઇડ્રેશનને કારણે હીટ સ્ટ્રોક અને ઝાડા થઈ જવા છે. ઉનાળામાં ઘણી વખત, આપણે જ આપણી પોતાની કેટલીક ભૂલોને કારણે બીમાર થઈ જઈએ છીએ.
વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને, તડકામાં ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો, જો કોઈક કારણોસર તમે ક્યાંક બહાર જવાના હોવ તો પણ તમારી સાથે છત્રી કે પછી માથે પહેરવાની ટોપી જેવી વસ્તુઓ રાખો. આ સમય દરમિયાન, તડકામાં ઘરે પાછા ફર્યા પછી, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.
તડકામાંથી આવ્યા બાદ AC-કુલરનો ઉપયોગ ટાળો
બહારના તીવ્ર તડકામાંથી આવ્યા બાદ ACની ઠંડી હવામાં બેસવાથી તમને થોડો સમય આરામ અને રાહતનો અનુભવ થઈ શકે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઠંડા અને ગરમ વાતાવરણને કારણે શરદી, ઉધરસ, ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બહાર તડકામાંથી આવ્યા પછી, શરીરના તાપમાનને થોડીવાર માટે સંતુલિત થવા દો, પછી જ AC અથવા કુલરનો ઉપયોગ કરો.
ફ્રીજનું ઠંડુ પાણી
ઘણી વખત લોકો બહાર તડકામાં ફરતી વખતે, ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ખાય છે અથવા તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે. આ ભૂલ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, શરીરનું તાપમાન ઘણું વધી જાય છે, તેથી તરત જ ઠંડી વસ્તુઓ ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે બહાર તડકામાંથી આવ્યા બાદ તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.
તડકામાંથી આવ્યા પછી તરત જ સ્નાન ના કરો
ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાથી શરીરને ઘણો આરામ મળે છે, પરંતુ જો તમે બહારથી તડકામાંથી આવ્યા હોવ તો તરત જ સ્નાન કરવાની ભૂલ ના કરો. પ્રથમ 30 મિનિટ ઓરડાના તાપમાને રહો અને પછી જ સ્નાન કરો. તેવી જ રીતે જમ્યા પછી પણ સ્નાન કરવાની ભૂલ ના કરવી જોઈએ.
ઉનાળામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે, શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે, તેથી પુષ્કળ પાણી પીવાની સાથે સાથે એવા ફળો અને શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો જેમાં ઠંડકની અસર સાથે પાણી ભરપૂર હોય. ઠંડુ રહેવા માટે, કાર્બોનેટેડ પીણાં અને બહારનો આઈસ્ક્રીમ ખાવાનું ટાળો. ઉનાળામાં, વ્યક્તિએ તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ અને એવા ખોરાક ખાવા જોઈએ જે પચવામાં મુશ્કેલ ના હોય અને ફાઈબરથી ભરપૂર હોય.