દેશભરમાં અંગ દઝાડતી જીવલેણ ગરમી વચ્ચે બિહારથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે બિહારના બેગુસરાયની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી કારણ કે તેઓ સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહી હતી. વાસ્તવમાં મતિહાની બ્લોકની મતિહાની મિડલ સ્કૂલમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ જેમને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે.
બિહારના બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, બુધવારે બિહારના બેગુસરાઈ અને શેખપુરામાં લગભગ 48 સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ. આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે. મિડલ સ્કૂલ મોટીહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી શાળામાં જ પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહ દ્વારા પ્રથમ ORS સોલ્યુશન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહી હતી ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ 14 વિદ્યાર્થીનીઓ મોટીહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું કહ્યુ શાળાના પ્રિન્સિપાલે ?
શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકોના બીમાર હોવાની જાણ થતાં પરિવારના સભ્યો હોસ્પિટલ અને શાળાએ પહોંચવા લાગ્યા હતા જેના કારણે બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ખવડાવવામાં આવ્યું હતું અને 10 વાગ્યા પછી રજા આપવામાં આવી હતી. જોકે, તેમણે સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ રજા આપી છે. આકરી ગરમીમાં પણ શાળા ખુલ્લી રહે તેવો સરકારનો આદેશ છે. આ તરફ સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ રાહુલ કુમારે જણાવ્યું કે, યુવતીઓ ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. હાલમાં બાળકોને ગ્લુકોઝ અને ORS સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે.