લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એમપી એલએલએ કોર્ટે, ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. એમપી એલએલએ કોર્ટે આઝમ ખાનને 10 વર્ષની જેલની સજાની સાથેસાથે 14 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગઈકાલે બુધવારે એમપી એમએલએ કોર્ટે, આઝમખાનને ડુંગરપુર કેસમાં દોષિત જાહેર કર્યો હતો. એમપી એમએલએ કોર્ટે આઝમખાનને ડુંગરપુરમાં જમીન પર કબજો કરવા અને ઘરોમાં તોડફોડ કરવા માટે દોષી ઠેરવ્યો છે.
આઝમ ખાન અગાઉ પણ ઘણા મામલામાં દોષિત ઠર્યા છે. હવે તેને અન્ય એક કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આઝમ પર વર્ષ 2019માં ડુંગરપુર કોલોની બળજબરીથી ખાલી કરાવવાનો આરોપ છે અને તેણે લોકોને ધમકી પણ આપી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં આઝમ ઉપરાંત કોન્ટ્રાક્ટર બરકત અલી પણ દોષિત ઠર્યા છે. એમપી એલએલએ કોર્ટે કોન્ટ્રાક્ટર બરકત અલીને સાત વર્ષની જેલની સજા અને 6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.