નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, મોદી સરકારના વિવિધ સુધારાને કારણે બેન્કોએ ૨૦૧૪થી ૨૦૨૩ સુધીના ૧૦ વર્ષના ગાળામાં રૂ.૧૦ લાખ કરોડથી વધુની લોન રિકવર કરી છે. તેમણે ઉદ્યોગપતિઓની લોન માફ કરવાના વિરોધ પક્ષોના આરોપોને જુઠ્ઠાણું ગણાવ્યું હતું.
નાણાપ્રધાન સીતારામને એક્સ પર જણાવ્યું હતું કે, “એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ લગભગ ૧,૧૦૫ ફ્રોડ કેસની તપાસ કરી છે. જેમાં રૂ.૬૪,૯૨૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં રૂ.૧૫,૧૮૩ કરોડની મિલકતો જાહેર ક્ષેત્રની બેન્કોની પરત કરવામાં આવી છે.” લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિરોધ પક્ષોએ સરકાર પર ઉદ્યોગપતિઓની લોન માફ કરવાના આરોપ મૂક્યા હતા. તેના જવાબમાં સીતારામને કહ્યું હતું કે, “વિરોધ પક્ષો જુઠ્ઠું બોલવા ટેવાયેલા છે. ઉદ્યોગપતિઓની લોન માફ કરી હોવાના તેમના દાવામાં કોઈ તથ્ય નથી. ફાઇનાન્સ અને અર્થતંત્રમાં પોતાને નિષ્ણાત ગણાવનારા વિરોધ પક્ષો હજુ માંડવાલ અને માફી વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, એ દુ:ખની વાત છે. કોઇ પણ ઉદ્યોગપતિની લોન માફ કરવામાં આવી નથી.”
સીતારામને જણાવ્યું હતું કે, “મારી દલીલને એ વાતથી બળ મળે છે કે ૨૦૨૩-૨૪માં દેશના બેન્કિંગ ક્ષેત્રનો નફો રૂ.૩ લાખ કરોડને વટાવી ગયો છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ૨૦૧૪ પહેલાંની સ્થિતિ કરતાં આ બાબત બિલકુલ વિરોધાભાસી છે. એ વખતે કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારે બેન્કિંગ ક્ષેત્રને બેડ લોન, અંગત હિતો, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો અડ્ડો બનાવી દીધો હતો.”