ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઇ.
ગરમીમાં ખાસ નિયમિત અને ફ્રોઝન ફૂડ,પોપ્સીકલસ, એરકુલર તથા ACની પણ વ્યવસ્થાઓ.
ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ ૨૪ કલાક તમામ પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે- વિપુલ ચક્રવર્તી- ડાયરેકટર,જંગલ સફારી,એકતા નગર
સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે સ્થાપિત કરવામાં આવેલ સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ૩૭૫ એકરમાં ફેલાયેલ છે અને સેંકડો દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃતિની સાથે-સાથે જનજાગૃતીના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.
હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી- પક્ષીઓની એક પરીવારજનની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે.આ સાથે સાથે પ્રાણી-પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી છે.
જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર,AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે.
પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે, હિપ્પોપોટેમસ,ભારતીય ગેંડો,ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે, તો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે.જયા જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે.
જંગલ સફારીમાં પ્રત્યેક સિઝન માટે પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયેટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે અને નિષ્ણાંત પ્રાણીશાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી-પક્ષીઓની પરીવારજનની કાળજી રાખી રહ્યા છે.
આ અંગે માહિતી આપતાં જંગલ સફારીના ડાયરેક્ટર શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, જંગલ સફારીના પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અન્ય વિવિધ દેશોમાંથી અહીં લાવવામાં આવ્યા છે તેમને ગરમીને કારણે કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સારૂ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ભોજન અને સારવાર સાથે એક પરિવારજનની જેમ અત્રેના પ્રાણી-પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે જેના કારણે પ્રાણી-પક્ષીઓ સક્રિય જોવા મળે છે અને તેના કારણે જ સફળ પ્રજનન પણ નોંધાઇ રહ્યા છે.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા