આજરોજ ચુણેલ ગામનો એક પરિવાર બાઈક નંબર GJ06EB427 લઈને ભાણાના જન્મદિવસ પ્રસંગે ઉમરેઠ આવ્યો હતો. તે દરમિયાન થામણા ચાર રસ્તા પાસે આ બાઈક સવાર પરિવારને એક કન્ટેનર નંબર HR47D5109 એ અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો. બાઈક પર સવાર મહિલા નામે કિંજલ બળવંતભાઈ ભોઈના બંને પગ પર કન્ટેનરના ટાયર ફરી વળતા આ બહેન ગંભીર રીતે ઘવાયા છે. ઉપરાંત સાથે રહેલ નાના બાળકને માથામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઉમરેઠની થામણા ચોકડી એ પહેલેથી જ વધુ ટ્રાફિક રહેતો વિસ્તાર છે. આસપાસ શાકભાજી, ફળ અને નાસ્તાની લારીઓ ઉભી રહેતા અને ગ્રાહકો એ લારીઓ પર ખરીદી કરવા આવતા તેમના સાધનો નો ટ્રાફીક પણ ત્યાં દૈનિક રહે છે. ઉપરાંત થામણા ગામ તરફ જવા વાળા સાધનો પણ આ ચોકડીએ વધુ હોય છે. માટે જેવો અકસ્માત થયો ત્યાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા અને રસ્તા પર ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ઉમરેઠ પોલીસ તરત ઘટના સ્થળે આવી પહોંચતા ભીડને વેરવિખેર કરી અને મહિલા તથા બાળકને 108 એમબ્યુલેન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા.
એક એવો પણ અનુભવ થયો કે 108 માં સતત ઘણાં બધા ફોન કરવા છતા કોઈ ઉપાડી નહોતું રહ્યું અને અકસ્માત થયાને અડધા કલાક બાદ 108 એમબ્યુલેન્સ ઘટના સ્થળે પહોંચી.
થોડા જ સમય પહેલા ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે બે બાઈક સવાર સાળા-બનેવી ટ્રક નીચે આવી જતા બાઈક ચાલકનું માથું ઓળખાય નહી તેવી રીતે ટ્રકના ટાયર નીચે છુંદાઇ ગયું હતું અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. મહિના જેટલો જ સમય થયો હશે કે ઉમરેઠની ઓડ ચોકડીએ એક બાઈક સવાર દંપતી ટ્રકમાં ફસડાઇ પડયા હતાં. થોડા જ સમય પહેલા ઉમરેઠ થી ઓડ જતા રતનપુરા ચોકડી પર ભાલેજના ત્રણ બાઈક સવાર યુવકો એસટી બસ નીચે આવી જતા એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને બે ગંભીર રીતે ઘવાયા હતાં. અને આજનો આ ચોથો ગંભીર અકસ્માત ઉમરેઠ થમણા ચોકડીએ થયો. હવે એક પછી એક આટ આટલા ગંભીર અકસ્માતો થવા છતાં અને નિર્દોષ રાહદારીઓ ના ભોગ લેવાયા છતાં જો ઉમરેઠમાં આડેધડ પાર્કિંગ, જ્યા ત્યાં ઉભી કરી દેવાયેલ લારીગલ્લા નું કડકાઈ પૂર્વક નિરાકરણ કરવામાં આવે છે કે નહી તે જોવાનું રહ્યું.