૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક, ઐતિહાસિક, અને હેરિટેજ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં ૧૬ થી ૨૦ જૂન દરમિયાન શહેરના મુખ્ય સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, અધિક કલેકટર ડી. સેન. સતાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ બારીયા, યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.